T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચ પાકિસ્તાન બોયકોટ કરશે?

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશ બહાર થતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ખૂબ નારાજ છે. PCBએ પહેલાં ધમકી આપી હતી કે તે ટુર્નામેન્ટનો જ બહિષ્કાર કરશે. આવી સ્થિતિમાં ICCએ ચેતવણી આપી હતી કે જો આવું પગલું ભરાશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ICCના એક્શનના ડરથી PCBએ શાંતિથી T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી.

 શું પાકિસ્તાની ટીમ ભારત સામે મેચ નહીં રમે?

જોકે પાકિસ્તાનનું નાટક હજી પૂરું થયું નથી. પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સામે થનારા ગ્રુપ મેચનો બહિષ્કાર કરે એવી શક્યતા છે અને આ અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. આ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. પાકિસ્તાન ICCના તે નિર્ણયનો વિરોધ કરવા માગે છે, જેમાં બાંગ્લાદેશને બહાર કરીને સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યું.

PCB વિરોધ માટેના અનેક વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે અને ટીમ ટુર્નામેન્ટમાં ભાગ પણ લઈ શકે છે. જો પાકિસ્તાન ભારત સામે મેચ નહીં રમે તો તેને માત્ર બે પોઈન્ટનું નુકસાન થશે, પરંતુ ICCને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. PCBના અધ્યક્ષ મોહસિન નકવી ટીમ સાથે બેઠક કરીને વ્યૂહરચના અને આગળની યોજનાઓ પર ચર્ચા કરશે. નકવીનું કહેવું છે કે અંતિમ નિર્ણય ફેડરલ સરકારની સલાહ બાદ જ લેવામાં આવશે.

મોહસિન નકવીએ આપી ધમકી

મોહસિન નકવીએ કહ્યું હતું કે વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે પરામર્શ કર્યા બાદ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે. તેમણે ICCની ટીકા કરતાં કહ્યું હતું કે બાંગ્લાદેશ સાથે અન્યાય થયો છે અને તેને ‘ડબલ સ્ટાન્ડર્ડ’ તરીકે જોવું જોઈએ. મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની બોર્ડ મીટિંગમાં પણ આ વાત ઉઠાવી હતી.

નકવીએ ICCના આ નિર્ણયમાં ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI)ના પ્રભાવ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશ પણ પાકિસ્તાનની જેમ ICCનો સભ્ય દેશ છે. એક દેશ બીજા દેશને આદેશ આપી શકતો નથી. જો આવું થશે તો પાકિસ્તાન પોતાની સ્થિતિ સ્પષ્ટ કરશે.