નવી દિલ્હીઃ LPGની અછતને કારણે કેરળમાં લગભગ 40 ટકા રેસ્ટોરાં બંધ થવાની સ્થિતિમાં પહોંચી ગઈ છે. ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે ઘણી રેસ્ટોરાં પાસે ખોરાક બનાવવાનાં વૈકલ્પિક સાધનો નથી, તેથી તેમને કામગીરી બંધ કરવી પડી રહી છે. રેસ્ટોરાં ઉપરાંત કેટરિંગ સર્વિસ, હોસ્ટેલ, કેન્ટીન અને સ્મશાન ઘાટ પણ LPG ની અછતથી અસરગ્રસ્ત થયાં છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પછી આ સમસ્યા ઊભી થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.
40 ટકા રેસ્ટોરાં બંધ થશે
કેરળ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન (KHRA)ના અધ્યક્ષ જી. જયપાલે જણાવ્યું હતું કે શુક્રવાર સુધી રાજ્યની લગભગ 40 ટકા રેસ્ટોરાં બંધ થવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે ગુરુવાર સુધી લગભગ 20 ટકા રેસ્ટોરાં બંધ થઈ ચૂકી હતી. LPG નો જથ્થો ઝડપથી ખતમ થઈ રહ્યો છે, તેથી શુક્રવાર સુધી આ આંકડો 40 ટકા સુધી પહોંચી જશે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસોઈ માટે વૈકલ્પિક ઇંધણ અપનાવવાની સલાહ આપવામાં આવી હોવા છતાં KHRAનું કહેવું છે કે શહેરોની હોટેલોમાં લાકડાથી રસોઈ બનાવવી શક્ય નથી.
તેમણે જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી નિયમો હેઠળ શહેરોની મોટા ભાગની રેસ્ટોરાં આધુનિક કિચન સિસ્ટમ અપનાવી ચૂકી છે. તેમની પાસે લાકડું કે અન્ય ઇંધણથી રસોઈ કરવાની વ્યવસ્થા નથી. આ સંકટથી શહેરી વિસ્તારોની રેસ્ટોરાં સૌથી વધુ અસરગ્રસ્ત છે.
કેટલાક LPG સપ્લાયરો બમણી કિંમત વસૂલતા
જયપાલે આરોપ લગાવ્યો હતો કે કેટલાક ખાનગી LPG સપ્લાયરો સિલિન્ડર માટે લગભગ બમણી કિંમત વસૂલી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં લાકડાની કિંમતોમાં પણ વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે કાસરગોડમાં અમારા એક સભ્યે જણાવ્યું હતું કે 19 કિલોનું LPG સિલિન્ડર 3000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, જ્યારે 19 કિલોના સિલિન્ડરની સામાન્ય કિંમત લગભગ 1800 રૂપિયા હોય છે. લાકડાની કિંમતો પણ આસમાને પહોંચી ગઈ છે અને વિકલ્પ અપનાવવો સરળ નથી.
લગ્ન સીઝન પહેલાં ગેસ સંકટ વધુ ગંભીર
ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા મુજબ LPG ની અછતથી કેરળનો કેટરિંગ વ્યવસાય પણ અસરગ્રસ્ત થયો છે અને આ સંકટ એવા સમયે આવ્યું છે જ્યારે રાજ્યમાં લગ્ન સીઝન શરૂ થવાની છે. ઓલ કેરળ કેટરર્સ એસોસિયેશનના તિરુવનંતપુરમ જિલ્લા અધ્યક્ષ વી. સુનુકુમારે જણાવ્યું હતું કે આવનારા લગ્ન સમારોહોની બુકિંગ પહેલેથી થઈ ગઈ છે, જેને કારણે આ ક્ષેત્ર મુશ્કેલીમાં છે. આ સમારંભો મલયાલમ મહિના (15 માર્ચ)થી શરૂ થશે.


