વારાણસીઃ ભારતીય ક્રિકેટર શિખર ધવન હાલ ક્રિકેટના મેદાનથી દૂર છે એટલે આનંદથી ફરી રહ્યો છે. તે એક પર્યટકના રૂપમાં વારાણસી ગયો હતો અને ત્યાંના મંદિરોમાં દર્શન કરવા ઉપરાંત ગંગા નદીમાં નૌકાવિહાર પણ કર્યું હતું. એ વખતે એણે સ્થળાંતરિત પક્ષીઓને પોતાના હાથે દાણા ખવડાવ્યા હતા. એની તસવીરો એણે બે દિવસ પહેલાં પોતાના સોશિયલ મિડિયા પર પોસ્ટ પણ કરી છે. પરંતુ વારાણસી જિલ્લા વહીવટીતંત્રે આની સામે વાંધો ઉઠાવ્યો છે. હાલ બર્ડ ફ્લૂ રોગચાળો ફેલાયો હોવાથી પક્ષીઓ સાથે કોઈ પણ પ્રકારે સંપર્ક કરવા પર મનાઈ છે. ધવને બોટમાં સહેલગાહ કરતી વખતે માઈગ્રેટરી પક્ષીઓને દાણા ખવડાવ્યા એને કારણે નૌકાચાલક પણ ફસાઈ શકે છે. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું છે કે તપાસ કરાયા બાદ ધવન અને નાવિક સામે પગલું ભરાશે.
ઓસ્ટ્રેલિયામાં વન-ડે અને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ બાદ ભારતીય ટીમનો આ ઓપનર આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. હવે ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટમેચોની સિરીઝની પહેલી બે મેચ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં એનો સમાવેશ કરવામાં આવ્યો નથી.