અમદાવાદ સ્ટેડિયમની પિચના ઈન-ચાર્જ છે ત્રિપુરાના ક્યૂરેટર

અમદાવાદઃ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતમાં ત્રણેય ફોર્મેટની શ્રેણીઓ રમવા આવી રહી છે. ચાર ટેસ્ટમેચ, પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ અને ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે. ચારમાંની બે ટેસ્ટ મેચ અને પાંચ ટ્વેન્ટી-20 મેચ અમદાવાદના મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાશે, જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમની પિચ તૈયાર કરવાની જવાબદારી સંભાળી રહ્યા છે ત્રિપુરાના ક્યૂરેટર આશિષ ભૌમિક. તેઓ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ચીફ પિચ ક્યૂરેટર છે. એ છેલ્લા ચાર મહિનાથી સરદાર પટેલ સ્ટેડિયમમાં પિચ તૈયાર કરવાના કાર્યમાં વ્યસ્ત છે. તેઓ ત્રિપુરા વતી પ્રથમ કક્ષાની મેચોમાં રમી ચૂક્યા છે અને ફાસ્ટ બોલર હતા. 1987થી તેઓ પિચ ક્યૂરેટર છે. એમનું કહેવું છે કે આઉટફિલ્ડને રેતીનું બનાવવામાં આવ્યું છે. જેથી ધારો કે વરસાદ પડે તો અડધા જ કલાકમાં આઉટફિલ્ડ સૂકાઈ જશે અને રમત ફરી શરૂ કરી શકાશે.

સરદાર પટેલ સ્ટેડિયમ કે મોટેરા સ્ટેડિયમમાં 1,10,000 દર્શકોને સમાવવાની ક્ષમતા છે. આ સ્ટેડિયમ મૂળ 1982માં બાંધવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ એને તોડીને LN&T તથા લાર્સન એન્ડ ટુબ્રો કંપનીઓ દ્વારા નવેસરથી અદ્યતન ટેક્નોલોજી દ્વારા બાંધવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં એકેય થાંભલો બાંધવામાં આવ્યો નથી. આ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 28 ફેબ્રુઆરીથી સિરીઝની ત્રીજી અને 8 માર્ચથી ચોથી ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ 12, 14, 16, 18, 20 માર્ચે ટ્વેન્ટી-20 મેચો રમાશે. પહેલી બે ટેસ્ટ ચેન્નાઈમાં રમાશે (પાંચ ફેબ્રુઆરી, 13 ફેબ્રુઆરી). બંને ટીમ 3 વન-ડે મેચ પુણેમાં રમશે (23, 26, 28 માર્ચ).

આશિષ ભૌમિક (ડાબેથી ત્રીજા)