72મા પ્રજાસત્તાક દિનની પરેડઃ ભારતની શક્તિનો પરચો, સંસ્કૃતિનું ભવ્ય પ્રદર્શન

મંગળવાર, 26 જાન્યુઆરીએ દેશના 72મા પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીના રાજપથ ખાતે ઐતિહાસિક વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતની ત્રણેય સંરક્ષણ સેનાના સામર્થ્ય, વિવિધતામાં એકતા, સામાજિક-આર્થિક પ્રગતિની ઝલક, સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ટેબ્લોમાં મહેસાણા જિલ્લાના મોઢેરા સ્થિત સૂર્ય મંદિરની ઝલક પ્રસ્તુત કરવામાં આવી હતી. આવા જ પ્રાચીન મંદિરોની સંસ્કૃતિને કર્ણાટક અને તામિલનાડુના સંઘમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.

ગુજરાતના ટેબ્લોમાં સૂર્ય મંદિરની ઝલક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગેલેરીમાં બેસીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. એમણે માથા પર પહેરેલી લાલ રંગની બાંધણી ટાઈપની પાઘડી સૌનું ધ્યાન આકર્ષિત કરતી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

ઉત્તર પ્રદેશના ટેબ્લોમાં રામમંદિરની ઝલક દર્શાવવામાં આવી હતી.

મહારાષ્ટ્રના ટેબ્લોએ ભક્તિ માર્ગ અને સંતોની સેવાની પરિકલ્પના રજૂ કરી હતી.

તમામ ટેબ્લોની પરેડને કારણે રાજપથ રંગબેરંગી ઝળકાટથી છવાઈ ગયો હતો.

ભારતીય હવાઈ દળમાં નવા સામેલ કરાયેલા રફાલ જેટ વિમાને પણ પરેડમાં એન્ટ્રી કરી હતી. પાંચ વિમાનોએ આકાશમાં ચક્કર લગાવ્યા હતા

Su-30 ફાઈટર જેટ વિમાનો

ભારતીય હવાઈ દળના જવાનો

આ વખતની પરેડને ટૂંકી રાખવામાં આવી હતી. દર વર્ષની જેમ 144 સંઘ (ટેબ્લો)ને બદલે 96 ટેબ્લોએ ભાગ લીધો હતો.

કોરોના વાઈરસ જાગતિક રોગચાળો ફેલાયો હોવાને કારણે આ વખતની પરેડમાં કોઈ વિદેશી મહાનુભાવ હાજર રહી શક્યા નહોતા.

બાંગ્લાદેશ આર્મ્ડ ફોર્સીસના સંઘે પણ પરેડમાં ભાગ લીધો હતો. તેના 122 જવાનોએ પરેડ કરી હતી.