પદવીદાન સમારંભમાં મોદીએ ટીમ-ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયા-જીતનો ઉલ્લેખ કર્યો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટસિરીઝ જીતીને સ્વદેશ પાછી ફરેલી દેશની ક્રિકેટ ટીમની સિદ્ધિનો ઉલ્લેખ કરીને એને વિશેષ રીતે બિરદાવી છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે ‘આત્મનિર્ભર ભારત’ મિશન દેશના રોજિંદા જીવનનો એક હિસ્સો બની ગયું છે અને તેનો જુસ્સો ક્રિકેટના મેદાનથી લઈને કોવિડ-19 બીમારી-વિરોધી સંચાલનમાંથી જોઈ શકાય છે.

નવી દિલ્હીમાંથી તેઝપુર યુનિવર્સિટીના પદવીદાન સમારંભને સંબોધિત કરતાં પીએમ મોદીએ કોરોના વાઈરસ રોગચાળાનો અસરકારક રીતે સામનો કરવા માટે દેશના વિજ્ઞાનીઓ અને આરોગ્ય વ્યાવસાયિકોની સરાહના કરી હતી. ક્રિકેટ ટીમનો ઉલ્લેખ કરતાં એમણે કહ્યું કે, આપણા ક્રિકેટરોએ ઓસ્ટ્રેલિયામાં પડકારોનો હિંમતપૂર્વક સામનો કરી બતાવ્યો. અનેક ખેલાડીઓની ઈજાગ્રસ્ત હાલત અને અનુભવના અભાવ હોવા છતાં તેમણે નવા ઉકેલ શોધી કાઢ્યા. આ ઐતિહાસિક જીતમાંથી શીખવાની જરૂર છે. સકારાત્મક માનસિકતા કાયમ સકારાત્મક પરિણામો લાવે છે. આ જ ‘આત્મનિર્ભર ભારત’નું સત્ત્વ (મૂળ) છે.