અમદાવાદઃ આજે બપોરથી અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023ની ફાઈનલ મેચ રમાશે. તેની પૂર્વસંધ્યાએ પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને ફાસ્ટ બોલર પેટ કમિન્સે ભારતીયોને ચીડવવાનો પ્રયાસ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ 2015માં વર્લ્ડ કપ સ્પર્ધા જીતી હતી. એ વખતે કમિન્સ 22 વર્ષનો હતો અને ટીમનો સભ્ય હતો, પરંતુ એને ઈલેવનમાં રમવાનો મોકો મળ્યો નહોતો. આજે તે ટીમનો કેપ્ટન બનીને રમી રહ્યો છે. પોતાની ટીમને છઠ્ઠી વખત વર્લ્ડ કપ ટ્રોફી જિતાડવાનો એણે નિશ્ચય કર્યો છે. જોકે એને ખબર છે કે રોહિત શર્મા અને તેના સાથીઓની મજબૂત ભારતીય ટીમને હરાવવી આસાન કામ નથી. મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેનાર આશરે હજારો ચાહકો 12મા ખેલાડીની ભૂમિકા ભજવશે એનાથી કમિન્સ વાકેફ છે.
પરંતુ પોતાના સાથીઓનું મનોબળ વધારવા માટે એણે ટીમ ઈન્ડિયાને ચીડવતું નિવેદન કર્યું છે. મોદી સ્ટેડિયમમાં 1,34,000 દર્શકોની ઉપસ્થિતિના દબાણની સ્થિતિમાં ફાઈનલ રમવા વિશેના સવાલના જવાબમાં એણે કહ્યું કે, ‘અમારો ઉદ્દેશ્ય સ્ટેડિયમના હજારો દર્શકોને શાંત કરી દેવાનો છે. અમે ભારતમાં ઘણું રમીએ છીએ એટલે દર્શકોનો શોરબકોર અમારે માટે નવી વાત નથી. પણ હા, આ સ્તરે (વર્લ્ડ કપ ફાઈનલના સ્તરે) અમારે માટે નવો જ અનુભવ હશે. હોમ ટીમને દર્શકોનો સપોર્ટ મળે એ સામાન્ય વાત છે, પણ અમારી ગેમ વડે હજારો દર્શકોને શાંત કરવા જેટલો આનંદ બીજો કોઈ ન હોઈ શકે.’ પરંતુ કમિન્સને આ નિવેદન મોંઘું પડી શકે છે.