કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ એ વાતની પુષ્ટિ આપી છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી મોસમ એના કાર્યક્રમ પ્રમાણે યોજાશે જ. મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે રાતે 8થી સોમવારે સવારે 7 વાગ્યા સુધી વીકએન્ડ લોકડાઉન ઘોષિત કર્યા બાદ આઈપીએલ-14 સ્પર્ધાનું શું થશે એ વિશે સવાલો ઊભા થયા હતા. એના સંદર્ભમાં ગાંગુલીએ ઉપર મુજબ સમર્થન આપ્યું છે. મુંબઈ અને મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ બીમારીના કેસ ખૂબ વધી ગયા હોવાથી મહારાષ્ટ્ર સરકારે વીકએન્ડ લોકડાઉન લાદવા ઉપરાંત રાતે 8થી બીજે દિવસે સવારે 7 વાગ્યા સુધીના નાઈટ-કર્ફ્યૂના નિયમોનું કડક રીતે પાલન કરાવવાનો નિર્ણય લીધો છે.
આઈપીએલ-14 સ્પર્ધા 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. પ્રારંભિક મેચ 9 એપ્રિલે ચેન્નાઈમાં રમાશે, જેમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે થશે. તે પછી 10 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 10 મેચો રમાનાર છે. મુંબઈ ઈન્ડિયન્સ ઉપરાંત દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ટીમોના ખેલાડીઓ હાલ મુંબઈમાં જ છે.