નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બીજા દિવસે ટી ટાઇમ પછી ભારતની પહેલીં ઇનિંગ 83.3 ઓવરમાં 262 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાથી માત્ર એક રન પાછળ રહી છે. ભારતે 139 રનમાં સાત વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ આર. અશ્વિન અને અક્ષર પટેલે ભારતીય ઇનિંગ્સ સંભાળી હતી. બંને એ આઠમી વિકેટ માટે 114 રનની ભાગીદારી કરી હતી. અશ્વિન 37 રન અને અક્ષર 74 રન બનાવીને પેવેલિયનમાં પરત ફર્યા હતા. ત્યાર બાદ ભારતે છેલ્લી ત્રણ વિકેટ નવ રનમાં ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને પાંચ, ટોડ મર્ફીએ બે મેથ્યુ કુહનેમને બે અને પેટ કમિન્સે એક વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ રમતના અંતે 61 રને એક વિકેટ ગુમાવી હતી.
બીજા દિવસે ટી ટાઇમ સુધીમાં ભારતનો સ્કોર 62 ઓવરમાં સાત વિકેટ પર 179 હતો. ટી બ્રેક પછી અક્ષરે 28 રન અને અશ્વિને 11 રન બનાવ્યા હતા. જોકે બીજા સેશનમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો હતો. બીજા સેશનમાં ભારતે 27 ઓવરમાં 91 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ ગુમાવી હતી. પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સ 78.4 ઓવરમાં 263 રન પર ઓલઆઉટ થઈ હતી. આ પ્રકારે ભારત હવે ઓસ્ટ્રેલિયાથી એક રન પાછળ છે.
વિરાટ કોહલીની વિકેટ પર બબાલ
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ પર બબાલ થઈ છે. દિલ્હી ટેસ્ટના બીજા દિવસે વિરાટ કોહલીને LBW આઉટ થયો હતો, પણ રિપ્લેમાં બેટ-પેડને લાગવાનો અંદેશો લાગી રહ્યો હતો, તેમ છતાં વિરાટે આઉટ આપવામાં આવ્યો હતો. ટીમ ઇન્ડિયાનું મેનેજમેન્ટ પણ આ નિર્ણયથી ખુશ નહોતું.