એક્ઝિટ પોલ્સમાં શું એજન્સીઓ જાણીબૂજીને આગળ બતાવે છે ભાજપ, NDAને?

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને જાહેર કરાયેલા મોટા ભાગના એક્ઝિટ પોલ્સમાં NDAની સરકાર બનશે એવી આગાહી કરવામાં આવી છે. બુધવારે જાહેર કરાયેલા એક્ઝિટ પોલ્સ બાદ ફરી એક વાર આ ચર્ચા Tઠી છે કે શું આ અંદાજોમાં ઇરાદાપૂર્વક વિરોધ પક્ષોને હારતા દેખાડવામાં આવે છે? ચાલો, છેલ્લાં પાંચ ચૂંટણીઓનાં પરિણામો પર નજર કરીએ અને સમજવાનો પ્રયાસ કરીએ કે આ ચર્ચામાં કેટલું સત્ય છે.

લોકસભા ચૂંટણી 2024ના એક્ઝિટ પોલ્સ અને પરિણામ

લોકસભા ચૂંટણી 2024 પહેલાં જાહેર થયેલા એક્ઝિટ પોલ્સમાં ભાજપ અને NDAને ભારે બહુમતી સાથે જીતતા બતાવવામાં આવ્યા હતા. મોટા ભાગના એક્ઝિટ પોલ્સમાં અનુમાન હતું કે ભાજપ પોતાના દમ પર જ ફરીથી સત્તામાં આવશે અને અગાઉ કરતાં વધુ બેઠકો જીતશે, પરંતુ વાસ્તવિક પરિણામ આવ્યાં ત્યારે ભાજપને પૂર્ણ બહુમતી મળી નહોતી. NDAને બહુમતી તો મળી પરંતુ 2019ની ચૂંટણીની સરખામણીએ નુકસાન થયું.

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના એક્ઝિટ પોલ્સ અને પરિણામ

આ વર્ષના આરંભમાં દિલ્હીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલાં કેટલાક એક્ઝિટ પોલ્સમાં ભાજપને આગળ બતાવવામાં આવી હતી, જ્યારે કેટલાકમાં ભાજપ અને આપ બંને વચ્ચે ટક્કર બતાવવામાં આવી હતી. પરંતુ જ્યારે પરિણામ આવ્યાં, ત્યારે ભાજપે 48 બેઠકો જીતીને સત્તામાં વાપસી કરી, જ્યારે સતત બે ચૂંટણીથી સંપૂર્ણ બહુમતી મેળવતી આવીને સત્તા ગુમાવવી પડી.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી

ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો માટે 2024માં ચૂંટણી યોજાઈ હતી. કેટલાક એક્ઝિટ પોલ્સે NDAને આગળ બતાવ્યો હતો તો કેટલાકે ઈન્ડિયા ગઠબંધનને. કેટલાક પોલ્સમાં બંને વચ્ચે કાંટાની ટક્કર બતાવવામાં આવી હતી. પરંતુ જ્યારે વાસ્તવિક પરિણામ જાહેર થયાં, ત્યારે NDAને ફરી નિરાશાનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં ઈન્ડિયા ગઠબંધને 56 બેઠકો જીતીને સત્તા મેળવી.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે 2024માં યોજાયેલી ચૂંટણીમાં NDAએ જીત મેળવી. આ ચૂંટણી પહેલાં જાહેર થયેલા મોટા ભાગના એક્ઝિટ પોલ્સમાં એનડીએના પક્ષમાં અંદાજ હતો. જોકે મોટા ભાગના પોલ્સમાં ઈન્ડિયા ગઠબંધનને પણ યોગ્ય સંખ્યામાં બેઠકો મળશે એવું બતાવવામાં આવ્યું હતું, પરંતુ અંતે પરિણામોમાં ઈન્ડિયા ગઠબંધનને માત્ર 50 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 2024માં યોજાઈ હતી. મોટા ભાગના એક્ઝિટ પોલ્સમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનને આગળ બતાવવામાં આવ્યું હતું અને પરિણામ આવ્યા ત્યારે આ અનુમાન સાચું સાબિત થયું. રાજ્યમાં ઉમર અબદુલ્લાના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધને 49 બેઠકો જીતી, જ્યારે ભાજપને માત્ર 29 બેઠકો મળી હતી.