સરકારના મંત્રીમંડળના ફેરબદલની અટકળો, શું બંગાળને મળશે વધુ હિસ્સેદારી?

નવી દિલ્હીઃ આશરે એક વર્ષ પછી મોદી સરકારની મંત્રી પરિષદની બેઠક યોજવામાં આવી રહી છે. વડા પ્રધાન  નરેન્દ્ર મોદીના પાંચ દેશોના પ્રવાસથી પરત ફરતા જ ગુરુવારે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેથી આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ભાજપની આગેવાની હેઠળની NDA સરકારની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે અને મંત્રીઓના કામકાજનું મૂલ્યાંકન પણ થશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ અને ઓઇલ તથા ગેસના સપ્લાયમાં અછતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આગામી વર્ષો માટે નવો રોડમેપ અને એજન્ડા તૈયાર કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભવિષ્યના પડકારો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મંત્રી પરિષદમાં ફેરફાર અને વિસ્તરણની શક્યતા નકારી શકાય નહીં.

મોદી સરકારમાં હાલમાં 30 કેબિનેટ મંત્રી, 36 રાજ્ય મંત્રી

મંત્રી પરિષદની આ બેઠક સેવા તીર્થ ખાતે યોજાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોદી કેબિનેટમાં હાલમાં 30 કેબિનેટ મંત્રી, 36 રાજ્ય મંત્રી અને પાંચ સ્વતંત્ર પ્રભારવાળા મંત્રીઓ છે. અહેવાલો અનુસાર બેઠકમાં સરકાર અને દરેક મંત્રાલયના કામકાજની સમીક્ષા કરવામાં આવશે. મંત્રાલયોને સરકારી યોજનાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા માટે પણ સૂચના આપવામાં આવી શકે છે.

 કેબિનેટમાં બંગાળની ભાગીદારી વધવાની શક્યતા

કેન્દ્રમાં NDAની સરકાર સતત ત્રીજી વખત સત્તામાં છે અને આગામી વર્ષે સરકાર પોતાનો અડધો કાર્યકાળ પૂર્ણ કરશે. આને ધ્યાનમાં રાખીને મંત્રી પરિષદમાં થોડો ફેરફાર થઈ શકે છે. સૂત્રોના કહેવા મુજબ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક પ્રદર્શન બાદ મોદી કેબિનેટમાં આ રાજ્યની ભાગીદારી વધારી શકાય છે. એ ઉપરાંત, આગામી વર્ષે સાત રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી વ્યૂહરચના ભાગરૂપે આ રાજ્યોમાંથી આવતા સાંસદોને મંત્રી બનાવવામાં આવી શકે છે. હાલમાં NDA સરકારમાં બિહારમાંથી આવતા મંત્રીઓની સંખ્યા આઠ છે, જ્યારે પશ્ચિમ બંગાળમાંથી માત્ર બે મંત્રી છે.