નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા અને વોટ્સએપ ગ્રુપ્સ પર છેલ્લા બે દિવસથી એક કથિત સરકારી પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પત્રને કારણે દેશના લાખો પેન્શનરોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ વાયરલ પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રમ અને રોજગાર મંત્રાલયે એમ્પ્લોયીઝ પેન્શન સ્કીમ (EPS-95) હેઠળ મળતી ન્યૂનતમ માસિક પેન્શન સીધું વધારીને રૂ. 7500 કરી દીધું છે. 
આ સમાચાર ફેલાતા જ પેન્શનરોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી, પરંતુ હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતે સામે આવીને આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. EPFOએ પોતાના સત્તાવાર X હેન્ડલ પરથી આ પત્રને સંપૂર્ણપણે ‘ફેક’ ગણાવ્યો છે અને પેન્શનધારકોને આવી અફવાઓથી સાવચેત રહેવાની સલાહ આપી છે।
વાયરલ પત્રમાં શો દાવો કરવામાં આવ્યો હતો?
ઇન્ટરનેટ પર ફરી રહેલા આ નકલી સર્ક્યુલરને સાચો દેખાડવા માટે તેમાં સરકારી લેટરહેડ અને નકલી સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે EPS-95 હેઠળનું ન્યૂનતમ પેન્શન વધારીને રૂ. 7500 પ્રતિ મહિના કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સુધારેલો નિયમ 30 એપ્રિલ, 2026થી દેશમાં અમલમાં આવશે અને તમામ પાત્ર પેન્શનરોને 1 મે, 2026થી વધારેલું પેન્શન મળવાની શરૂઆત થશે.
EPFOએ સત્તાવાર નિવેદન જાહેર કરતાં સોશિયલ મિડિયા પર આ નોટિફિકેશનની તસવીર શેર કરી અને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે ધ્યાન આપો, ન્યૂનતમ EPS પેન્શનમાં વધારો અંગે જે પત્ર ફરતો કરવામાં આવી રહ્યો છે, તે સંપૂર્ણપણે નકલી છે.
⚠️ Attention!
The letter being circulated on increase in minimum EPS pension is completely fake#EPFO #EPFOFactCheck #EPFOWithYou pic.twitter.com/FKhxQrbzSj— EPFO (@officialepfo) May 19, 2026
હાલમાં કેટલું મળે છે ન્યૂનતમ પેન્શન?
હાલના નિયમો અનુસાર સંગઠિત ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓને EPS-95 હેઠળ ન્યૂનતમ ગેરંટી પેન્શન તરીકે રૂ. 1000 પ્રતિ મહિના મળે છે. સરકારે આ ન્યૂનતમ મર્યાદા 1 સપ્ટેમ્બર, 2014થી લાગુ કરી હતી અને ત્યારથી અત્યાર સુધી તેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પેન્શનરો લાંબા સમયથી આ રકમ વધારવાની માગ કરી રહ્યા છે, પરંતુ હાલમાં તે હજુ પણ રૂ. 1000 પર જ યથાવત્ છે.




