અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચ (Crime Brnach) દ્વારા ધરપકડ કરવામાં આવેલા એક આરોપીની (Criminal) કહાની તો ખરેખર ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી રસપ્રદ નીકળી. હત્યાના આરોપમાં આજીવન કેદની સજાનો પાકો કેદી છેલ્લાં 12 વર્ષથી ફરાર હતો. સૌથી રસપ્રદ વાત એ હતી કે આ આરોપી પોલિસની નજરોની સામે હતો, તો પણ પોલીસ (Police) તેને આટલાં વર્ષોથી પકડી શકી નહીં. હેમંત મોદી (Hemant Modi) નામનો આ આરોપી પોતાની અસલ ઓળખ છુપાવીને મુંબઈ (Mumbai) માં અભિનેતા (Actor) તરીકે કાર્યરત હતો.
વર્ષ 2005માં કરી હતી હત્યા
આ સમગ્ર ગુનાઈત મામલા (Criminal Case) ની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી. જ્યારે હેમંત મોદીએ નરોડા વિસ્તારમાં એક ઘાતકી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. આ મામલે કોર્ટે તેને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારતા તેને મહેસાણા જેલમાં મોકલી અપાયો હતો. જેલવાસ દરમિયાન માનસિક રીતે તૂટી ગયેલા હેમંતે પોતાની પત્ની સાથે છૂટાછેડા પણ લઈ લીધા હતા. કારણ કે તેને લાગતું હતું કે હવે તેની આખી જિંદગી જેલના સળિયા પાછળ જ પૂરી થઈ જશે. 2014માં તેને કોર્ટ તરફથી પેરોલ (parole) મળ્યા હતા. જેલની બહાર આવતાં જ તેણે પાછા ફરવાને બદલે કાયમ માટે ગાયબ થઈ જવાનો પ્લાન બનાવ્યો.
મુંબઈમાં ઓળખ છુપાવીને ‘અભિનેતા’ બન્યો
પેરોલ જમ્પ કરીને ભાગ્યા બાદ હેમંત સીધો મુંબઈ પહોંચ્યો હતો. ત્યાં તેણે પોતાનો લોહિયાળ ભૂતકાળ છુપાવીને એક સામાન્ય સ્ટ્રગલિંગ એક્ટર તરીકે નાટકો અને ફિલ્મી દુનિયામાં નસીબ અજમાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેણે પોતાની ઓળખ ‘સ્પંદન મોદી’ (Spandan Modi) તરીકે સ્થાપિત કરી. ઈન્ટરનેટ ડેટા બેઝમાં પણ તેણે કરેલી ફિલ્મોમાં આ જ નામની ક્રેડિટ અપાઈ હોવાનું જોવા મળે છે. 
નવાઈની વાત એ છે કે, જે પોલીસ રેકોર્ડમાં તે એક મોટો વોન્ટેડ ગુનેગાર હતો, તે જ સમયે તે મોટા પડદા પર બોલિવૂડની ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’, ‘જયેશભાઈ જોરદાર’ (Jayeshbhai Jordar) અને ‘53મું પાનું’ જેવી ફિલ્મોમાં રણવીર સિંહ, આમિર ખાન અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ સાથે કામ કરી રહ્યો હતો. આ ઉપરાંત અનેક હિન્દી સીરિયલો અને નાટકોમાં પણ નાની-મોટી ભૂમિકાઓ કરી. આશ્ચર્યની વાત એ છે કે, આ દરમિયાન તેણે ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું, પરંતુ કોઈને ખબર ન પડી કે, આ શખસ ગંભીર ગુનામાં ફરાર ગુનેગાર છે.
ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસે ક્રાઈમ બ્રાન્ચે ગોઠવી જાળ
લાંબા સમયથી ગુમ થયેલો આ કેદી અમદાવાદમાં જ ક્યાંક છુપાયો હોવાની અને કોઈને મળવા આવવાનો હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેઇલન્સ ગોઠવ્યું અને તેના જૂના સંપર્કોની કડીઓ જોડીને વોચ રાખવાનું શરૂ કર્યું હતું. આખરે ઘી કાંટા મેટ્રો સ્ટેશન નજીક ક્રાઈમ બ્રાન્ચે ગોઠવેલી જાળમાં હેમંત મોદી આબાદ ફસાઈ ગયો હતો. તે ઝડપાયો ત્યારે પણ તેણે ‘અભિનય કળા’ના જોરે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, આ કારીગરી ચાલી નહીં અને તેણે પોલીસ સમક્ષ તમામ કબૂલાત કરી લીધી. હવે પોલીસે તેને ફરી જેલ ભેગો કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.






