સુરતમાં ૧૧૪ માતાઓએ ૫૩૮૦ મિલિલીટર દૂધનું દાન કર્યું

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરત અમૃતમ ફાઉન્ડેશન, સુરત પીડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ (SPACT), સુરત નવી સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગ અને મહિલા સંગઠનોના સહયોગથી અગ્રસેન ભવન ખાતે ૩૩મા માનવ દૂધ દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેમ્પમાં ૧૧૪ સ્તનપાન કરાવતી માતાઓએ સ્વૈચ્છિક રીતે ભાગ લીધો હતો. તેમના દ્વારા કુલ ૫૩૮૦ મિલિલીટર માતાનું દૂધ દાનમાં મળ્યું હતું. એકત્રિત થયેલું દૂધ સ્થાનિક હોસ્પિટલોના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU)માં દાખલ બીમાર અને સમય પહેલાં જન્મેલા નવજાત શિશુઓને આપવામાં આવશે.

સુરત શહેરમાં એક દાયકાથી વધુ સમયથી SPACT અને અમૃતમ ફાઉન્ડેશનના કુંજ પંસારી દ્વારા માનવ દૂધ દાનની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવામાં આવી રહી છે. આ કેમ્પમાં મોઢ વણિક મહિલા સંગઠન, શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળ, અખિલ હિંદ મહિલા પરિષદ (બૃહદ સુરત શાખા) અને ઇનર વ્હીલ ક્લબ ઓફ સુરત સહિતના સંગઠનોએ સહયોગ આપ્યો હતો.

કેમ્પમાં યુનિસેફ ગુજરાતના ડૉ. કાનુપ્રિયા સિંઘલ, ડૉ. નારાયણ ગાંવકર અને તેમની ટીમ તેમજ નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પારુલ વડગામા ઉપસ્થિત રહ્યા હતા.

(અરવિંદ ગોંડલિયા – સુરત)