નવી દિલ્હીઃ દિલ્હીના સ્વરૂપનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કિશોરી પર ગેંગરેપ કરી તેની હત્યા કરવામાં આવી છે. જોકે પોલીસે માત્ર 72 કલાકમાં એક ટેમ્પોની ઓળખ કરી અને તેના ડ્રાઈવરની પૂછપરછને આધારે ચાર આરોપીની ધરપકડ કરી હતી, જેમાં ત્રણ 16થી 17 વર્ષની વયના સગીર છે.
મૃતદેહની ઓળખ ન થતાં ફોરેન્સિક ટીમે એકત્ર કર્યા પુરાવા
13 સપ્ટેમ્બરની સવારે એક ખુલ્લા મેદાનમાં કિશોરીનો મૃતદેહ મળ્યો હતો, પરંતુ શરૂઆતમાં તેની ઓળખ થઈ શકી નહોતી. ક્રાઇમ ટીમ અને FSLની ટીમે ઘટનાસ્થળ પરથી મહત્ત્વના પુરાવા એકત્ર કર્યા, ત્યાર બાદ સ્વરૂપ નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
50થી વધુ CCTV ફુટેજ ખંગાળી પકડ્યો ટેમ્પો
તપાસ દરમિયાન પોલીસે વિસ્તારનાં 50થી વધુ CCTV કેમેરાના ફુટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા..
ટેમ્પો ડ્રાઈવરની પૂછપરછ બાદ ઝડપાયા ચાર આરોપી
પોલીસના જણાવ્યા મુજબ ડ્રાઈવરની પૂછપરછ બાદ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી, જેમાં શિવમ ઉર્ફે સુદામા ઉર્ફે ચુચુ અને ત્રણ સગીરનો સમાવેશ થાય છે. ત્રણેય સગીરની વય 16થી 17 વર્ષની વચ્ચે હોવાનું જણાવાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી બે છરી અને ઘટના સમયે તેમણે પહેરેલાં કપડાં પણ કબજે કર્યાં છે. આ મામલે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કિશોરી પોતાના એક પરિચિત 17 વર્ષના સગીરને મળવા ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ પહેલાં તે સગીરે જ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો અને ત્યાર બાદ પોતાના મિત્રોને બોલાવ્યા, જેમણે પણ કથિત રીતે કિશોરી પર ગેંગરેપ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ કિશોરીના શરીર પર આઠ ઘાના નિશાન મળી આવ્યાં હતાં. હત્યા બાદ મૃતદેહને પાંદડાં અને માટી નીચે છુપાવવાનો પ્રયાસ કરાયો હતો.

