કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ક્યાં પડવાનો છે બે દિવસ વરસાદ?

અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમી (Heat) પડી રહી છે. મોટાભાગના શહેરોમાં તાપમાન (Temperature) 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ હવામાનમાં અચાનક મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગ (Weather)દ્વારા 21 મેના રોજ આગામી સાત દિવસનું સત્તાવાર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ, આગામી 22 અને 23 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ (Rain) ની અથવા ઝાપટાં પડવાની સંભાવના છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ વરસાદી માહોલ માત્ર ગણતરીના જિલ્લા પૂરતો જ સીમિત રહેશે, જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ભેજ વધવાને કારણે આગામી બે દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જેમાં નવસારી, વલસાડ, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે. દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર (Saurastra) ના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 22 મેથી વાતાવરણ પલટાશે. હવામાન વિભાગ મુજબ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં અમરેલી અને ગીર સોમનાથના લોકોને થોડી રાહત મળશે. આ જિલ્લાઓમાં 22 મેથી જ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ભાવનગર જિલ્લામાં 23 મેના રોજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દીવમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.