કોલકાતાઃ પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર 21 મેએ થનારા પુનર્મતદાન પહેલાં રાજકીય સમીકરણો રસપ્રદ બન્યાં છે. પોતાને ‘પુષ્પા’ ગણાવતા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા જહાંગીર ખાને રાજ્યમાં ભાજપ સરકાર બન્યા બાદ ફાલ્ટા બેઠક પરથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેમણે આજે જાહેરાત કરી કે તેઓ 21 મેએ થનારી વિધાનસભા ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં ખાને જણાવ્યું હતું કે તેમણે ફાલ્ટાનાં હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
આ કારણ આપ્યું
પોતાની ઉમેદવારી પાછી ખેંચવાના કારણ અંગે TMC નેતાએ કહ્યું, હું ફાલ્ટાનો પુત્ર છું. મારો હેતુ ફાલ્ટામાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો તેમ જ તેનો મહત્તમ વિકાસ કરવાનો છે. મારું સપનું ‘સોનાર ફાલ્ટા’ બનાવવાનું હતું. અમારા મુખ્ય મંત્રી ફાલ્ટાના લોકો માટે વિશેષ પેકેજ આપી રહ્યા છે, તેથી હું મારી ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું. મેં ફાલ્ટાના વિકાસ અને શાંતિના હિતમાં આ નિર્ણય લીધો છે.
TMCની શું પ્રતિક્રિયા?
પુનર્ચૂંટણી પહેલાં જ જહાંગીર ખાન દ્વારા ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત થતાં TMCમાં પણ ચકચાર મચી ગઈ છે. પાર્ટીના પ્રવક્તા અરુપ ચક્રવર્તીએ કહ્યું કે પાર્ટીને ખાનના નિર્ણય વિશે માહિતી મળી છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે તેમણે આ નિર્ણય શા માટે લીધો. તેમણે જણાવ્યું હતું કે અમને જાણ થઈ છે કે જહાંગીર ખાને ફાલ્ટાની પુનર્ચૂંટણીમાં ચૂંટણી ન લડવાનો અથવા ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે, પરંતુ નામ પાછું ખેંચવાનું સાચું કારણ હજુ સુધી ખબર નથી.

સુવેંદુ અધિકારીએ કર્યો કટાક્ષ
મુખ્ય મંત્રી સુવેંદુ અધિકારીએ જહાંગીર ખાનના આ નિર્ણય પર ટિપ્પણી કરતાં કટાક્ષ કર્યો હતો. અધિકારીએ દાવો કર્યો કે જહાંગીર ખાન પુનર્ચૂંટણીમાંથી ભાગી ગયા છે. તેમને અહીં કોઈ પોલિંગ એજન્ટ પણ નહીં મળે. દક્ષિણ 24 પરગણાના ફાલ્ટામાં ચૂંટણીપ્રચાર દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં સુવેંદુ અધિકારીએ કહ્યું હતું કે તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો, કારણ કે તેમને કોઈ પોલિંગ એજન્ટ મળવાના નહોતા, તેથી તેમણે ભાગી જવાનો નિર્ણય લીધો છે.




