નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સીધી સામાન્ય ભારતીયોના ઘરના બજેટ સુધી પહોંચી ગઈ છે. લોકોને ખબર પણ ન પડી અને રોજિંદા વપરાશની અનેક જરૂરી વસ્તુઓ મોંઘી થઈ ગઈ. સાબુ, ડિટર્જન્ટ, દૂધ, પેટ્રોલ-ડીઝલથી લઈને સોનું-ચાંદી સુધીની કિંમતોમાં ભારે વધારો નોંધાયો છે, જેને કારણે મધ્યમ વર્ગ પર મોટો આર્થિક બોજો પડ્યો છે. LPGના વધેલા ભાવોને કારણે હોટેલ-રેસ્ટોરાં અને ખાદ્ય પદાર્થોના ખર્ચમાં વધારો થયો છે. બીજી તરફ, વિદેશી ચલણના બહાર જતા પ્રવાહને રોકવા માટે સોનાની આયાત શૂલ્કમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરિણામે લગભગ દરેક ક્ષેત્ર પર આ યુદ્ધની નકારાત્મક અસર જોવા મળી રહી છે.
ફ્યુઅલના ભાવમાં વધારો
તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાથી ઘરખર્ચ વધુ વધી શકે છે. ટાટા ગ્રુપની વોલ્ટાસે પોતાની તાજેતરની અર્નિંગ્સ કોલ દરમિયાન જણાવ્યું હતું કે કંપનીએ કેટલાક ઉત્પાદનોના વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખ્યો છે.
ACના ભાવમાં વધારો
બ્લૂ સ્ટારે એનર્જી-ચેન્જ નોર્મ્સને કારણે એર કન્ડિશનરના ભાવમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કર્યો છે. સાથે જ કાચા માલના વધેલા ભાવ અને વિનિમય દરના ઉતાર-ચઢાવને કારણે વધુ આઠ ટકાનો વધારો પણ કર્યો છે.
હવે બ્રેડ પણ મોંઘી
દૂધના ભાવમાં વધારો થયા બાદ હવે સામાન્ય લોકોના નાસ્તાનો મહત્વનો ભાગ ગણાતી બ્રેડ પણ મોંઘી થઈ ગઈ છે. જેને કારણે રસોડાના બજેટ પર વધુ અસર પડી રહી છે.
સાબુ અને ડિટર્જન્ટના ભાવ વધ્યા
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે સાબુ, ડિટર્જન્ટ અને ઘરેલુ જંતુનાશક પ્રોડક્ટ્સમાં ચારથી સાત ટકા સુધી ભાવવધારો કર્યો છે. મેરિકોએ લગભગ છથી સાત ટકા ભાવ વધાર્યા છે, જ્યારે હિંદુસ્તાન યુનિલિવરે બેથી પાંટ ટકા સુધી ભાવ વધાર્યા છે. એનાલિસ્ટ્સનું માનવું છે કે આગળ પણ ભાવ વધવાની શક્યતા છે.

પેઇન્ટ ઉદ્યોગમાં એશિયન પેઇન્ટ્સે કુલ મળીને 9થી 14 ટકા સુધી બે વખત ભાવવધારો કર્યો છે. સાબુ, પેઇન્ટ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતાં ઘણાં રસાયણો સીધા તેલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સમાંથી આવે છે. કાચા માલ, પેકેજિંગ ખર્ચ અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ખલેલને કારણે ઉત્પાદન ખર્ચમાં ભારે વધારો થયો છે.




