નવી દિલ્હીઃ હાઇકોર્ટે ન્યાયાધીશ સ્વર્ણ કાંત શર્મા વિરુદ્ધ સોશિયલ મિડિયા પર કરાયેલી કથિત અપમાનજનક પોસ્ટ મામલે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓને અવમાનનાની નોટિસ જારી કરી છે. હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને AAPના અન્ય નેતાઓને પોતાનો જવાબ દાખલ કરવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી ચોથી ઓગસ્ટે થશે.
કોર્ટે નોટિસ જારી કરી ચાર સપ્તાહનો સમય આપ્યો
મંગળવારે દિલ્હી હાઇકોર્ટમાં જસ્ટિસ સ્વર્ણ કાંત શર્મા અંગે કરવામાં આવેલી સોશિયલ મિડિયા પોસ્ટ્સ મામલે સુનાવણી થઈ હતી. એ દરમિયાન કોર્ટે AAP નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, દુર્ગેશ પાઠક, સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ અને અન્ય પાસેથી જસ્ટિસ સ્વર્ણ કાંત શર્મા વિરુદ્ધ તેમના “અપમાનજનક” સોશિયલ મિડિયા પોસ્ટ્સ અંગે શરૂ કરાયેલા ફોજદારી અવમાનના કેસમાં તેમનો પક્ષ પૂછ્યો હતો. જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ રવિંદર ડુડેજાની બેન્ચે આ નેતાઓને જસ્ટિસ શર્મા દ્વારા તેમના વિરુદ્ધ શરૂ કરાયેલા સ્વપ્રેરિત અવમાનના કેસમાં નોટિસ જારી કરી હતી.
AAP નેતાઓ પર અવમાનનાના આરોપ
ઉલ્લેખનીય છે કે જસ્ટિસ સ્વર્ણ કાંત શર્માએ 14 મેએ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને AAPના અન્ય નેતાઓ વિરુદ્ધ આબકારી નીતિ કેસ સંબંધિત તેમના “અપમાનજનક” સોશિયલ મિડિયા પોસ્ટ્સ અંગે ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી. જસ્ટિસ સ્વર્ણ કાંત શર્માએ જણાવ્યું હતું કે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીએ કાનૂની માર્ગ અપનાવવાને બદલે તેમના વિરુદ્ધ સોશિયલ મિડિયા પર બદનામીનું “સુવ્યવસ્થિત અભિયાન” ચલાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણય વિરુદ્ધ CBI દ્વારા દાખલ કરાયેલી અરજી પર હવે બીજી બેન્ચ સુનાવણી કરશે.
જસ્ટિસ શર્માએ અવમાનનાના આરોપ લાગેલા લોકોની અનેક સોશિયલ મિડિયા પોસ્ટ્સ પર વાંધો ઉઠાવ્યો હતો. આ પોસ્ટ્સમાં તેમના પર “રાજકીય નિષ્ઠા” અને “સંબંધ” હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. એ ઉપરાંત વારાણસીની એક શૈક્ષણિક સંસ્થામાં આપેલા તેમના ભાષણનો કથિત રીતે ભ્રામક અને “એડિટ કરાયેલો” વિડિયો પોસ્ટ કરીને તેમને નિશાન બનાવવામાં આવ્યાં હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.




