ટેસ્ટમાં બેસ્ટ જાડેજાઃ ભારતે ઓસ્ટ્રેલિયાને દિલ્હી ટેસ્ટમાં પણ હરાવ્યું

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરોએ નાગપુરમાં પહેલી ટેસ્ટ મેચની જેમ અહીંના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચ આજે ત્રીજા દિવસે સમાપ્ત કરી દીધી છે. તેણે પ્રવાસી ટીમને 6-વિકેટથી પરાજય આપીને 4-મેચોની શ્રેણીમાં 2-0ની અપરાજિત સરસાઈ હાંસલ કરી લીધી છે. આ સાથે ભારતે બોર્ડર-ગાવસકર ટ્રોફી પોતાની પાસે જાળવી રાખી છે. ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી ઈન્દોરમાં રમાશે. ચોથી અને શ્રેણીની આખરી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે.

ભારતની આ જીતનો શ્રેય પણ ડાબોડી સ્પિનર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને જાય છે, જેણે બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમની સાત વિકેટ પાડીને દાવ માત્ર 113 રનમાં સમાપ્ત કરાવી દીધો હતો. ભારતને 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને તેણે કેપ્ટન રોહિત શર્મા (31), કે.એલ. રાહુલ (1), વિરાટ કોહલી (20) અને શ્રેયસ ઐયર (12)ની વિકેટ ગુમાવીને 118 રન કરીને મેચ જીતી લીધી હતી. ચેતેશ્વર પૂજારા 31 રન અને વિકેટકીપર શ્રીકર ભરત 23 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

જાડેજાએ ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં 3 વિકેટ લીધી હતી અને ત્યારબાદ ભારતના પહેલા દાવમાં 26 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં તેણે 12.1 ઓવરમાં 42 રનમાં સાત વિકેટ ઝડપીને સપાટો બોલાવી દીધો હતો. ટેસ્ટ ક્રિકેટમાં એક દાવમાં જાડેજાનો આ વ્યક્તિગત શ્રેષ્ઠ બોલિંગ દેખાવ બન્યો છે. ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પહેલા દાવની જેમ બીજા દાવમાં પણ 3 વિકેટ લીધી હતી. દિલ્હીના જેટલી સ્ટેડિયમમાં ભારતીય ટીમ આ સતત 13મી ટેસ્ટ મેચ જીતી છે. આ સાથે દિલ્હી મેદાને (1993-2023) 13-13 ટેસ્ટ વિજયના દેશી વિક્રમમાં મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ (1948-65) અને મોહાલીના સ્ટેડિયમ (1997-2022) સાથે બરોબરી કરી છે.

સ્કોરઃ

ઓસ્ટ્રેલિયા 263 અને 113.

ભારતઃ 262 અને 118-4

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]