સગીરાને ‘આજા આજા’ કહેવું જાતીય સતામણી: મુંબઈ-કોર્ટ

મુંબઈઃ કોઈ છોકરી દિલચસ્પી ન બતાવે તે છતાં કોઈ પુરુષ એનો પીછો કરવાનું ચાલુ રાખે અને એને વારંવાર ‘આજા આજા’ કહેતો રહે તો એ જાતીય સતામણીનો ગુનો બને છે, એવું અનુમાન વ્યક્ત કરીને અહીંના દિંડોશી (ગોરેગાંવ-પૂર્વ ઉપનગર)ની એક કોર્ટે 32 વર્ષના એક માણસને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ (POCSO) કાયદાની જોગવાઈ હેઠળ અપરાધી જાહેર કર્યો છે.

તે ઘટના 2015માં બની હતી. 15-વર્ષની અને દસમા ધોરણમાં ભણતી એક છોકરીએ કોર્ટને કહ્યું કે એ તેનાં ફ્રેન્ચ ટ્યૂશન ક્લાસમાં હાજરી આપવા ચાલતી જતી હતી ત્યારે અપરાધી, જે ત્યારે પચીસેક વર્ષનો હતો, તે સાઈકલ પર બેસીને એનો પીછો કરતો હતો અને એને વારંવાર ‘આજા આજા’ કહેતો હતો. એણે એવી હરકત વધુ અમુક દિવસો કરી હતી. આખરે છોકરીએ થાકીને રસ્તે જતા બીજા પુરુષોને મદદ કરવાની વિનંતી કરી હતી. એમણે પેલા માણસનો પીછો કરતાં એ ભાગી ગયો હતો. છોકરીએ ત્યારબાદ એનાં ટ્યૂશન શિક્ષકને અને ઘેર માતા-પિતાને જાણ કરી હતી. છોકરીને બાદમાં ખબર પડી હતી કે એ માણસ બાજુના એક મકાનનો નાઈટ વોચમેન હતો. છોકરીની માતાએ તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 2015ના સપ્ટેમ્બરમાં આરોપીની ધરપકડ કરી હતી. 2016ના માર્ચમાં આરોપી જામીન પર છૂટ્યો હતો. કેસ ચાલતો રહ્યો હતો.

તે માણસે કોર્ટની માફી માગતા કહ્યું હતું કે પોતે ગરીબ છે અને એની પત્ની તથા ત્રણ વર્ષનો બાળક છે. દિંડોશી સેશન્સ કોર્ટના જજ એ.ઝેડ. ખાને એને અપરાધી જાહેર કરીને ચુકાદો આપ્યો કે એની હરકત છોકરીની જાતીય સતામણીનો ગુનો બને છે. એમણે તેને જેલની જે સજા ફરમાવી હતી તે આરોપીએ 2015 અને 2016 વચ્ચેના સમયગાળામાં ભોગવી લીધી હતી.