પૃથ્વી શૉ પર હુમલાનો કેસઃ આરોપી સપનાનાં જામીન મંજૂર

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય પૃથ્વી શૉની કથિત મારપીટ અને એની કાર પર કરાયેલા હુમલાને લગતા પોલીસ કેસમાં અહીંની અદાલતે સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર તરીકે જાણીતી મોડેલ સપના ગિલ તથા અન્ય ત્રણ આરોપીને 14-દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો હૂકમ કર્યો હતો. બાદમાં કોર્ટે આરોપીઓની જામીન અરજીને મંજૂર રાખી હતી.

આ તમામ આરોપીને 20 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો કોર્ટે અગાઉ હૂકમ કર્યો હતો. આજે તે મુદત પૂરી થતાં પોલીસે તેમને ફરી મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કર્યા હતા. પોલીસે રીમાન્ડની મુદત લંબાવવાની અદાલતને વિનંતી કરી હતી. પરંતુ કોર્ટે તે નકારી કાઢી હતી અને આરોપીઓને અદાલતી કસ્ટડીમાં રાખવાનું કહ્યું હતું.

આરોપીઓ સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ 387 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જે રમખાણ કરવા અને ખંડણી-ધમકીને લગતા છે. આ કેસમાં સપના ઉપરાંત એનાં બીજાં સાત મિત્રો સામે પોલીસે ફરિયાદ નોંધી છે. મારપીટનો બનાવ ગયા બુધવારે બન્યો હતો. સાંતાક્રુઝ વેસ્ટમાં એક લક્ઝરી હોટેલની બહાર આરોપીઓ અને પૃથ્વી વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યારબાદ આરોપીઓએ પૃથ્વી પર હુમલો કર્યો હતો.