જબરદસ્તીથી સેલ્ફી લેનારા સામે સોનૂ નિગમની પોલીસમાં ફરિયાદ

મુંબઈઃ જાણીતા પાર્શ્વગાયક સોનૂ નિગમ ગઈ કાલે મોડી સાંજે અહીંના ચેંબૂર ઉપનગરમાં એક કાર્યક્રમમાં સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો એ વખતે ઉદ્ધવ ઠાકરેના જૂથના એક સ્થાનિક વિધાનસભ્યના પુત્રએ ધાંધલ મચાવી હતી. એણે સોનૂની ધક્કામુકી કરી હતી. એ ધમાલમાં સોનૂના ગ્રુપના એક કલાકારની મારપીટ કરાઈ હતી અને એને સ્ટેજ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો હતો. સોનૂએ ચેંબૂર પોલીસ સ્ટેશનમાં જઈને આ વિશે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

કાર્યક્રમ હતો ચેંબૂર ફેસ્ટિવલ ઉજવણીનો. એમાં સોનૂએ લાઈવ સંગીત કાર્યક્રમ રજૂ કર્યો હતો. કાર્યક્રમ પૂરો કરીને એ રવાના થતો હતો ત્યારે એની સાથે સેલ્ફી લેવા માટે ઉપસ્થિત લોકોએ ધસારો કર્યો હતો. એમાં ઠાકરે જૂથના વિધાનસભ્ય પ્રકાશ ફાતેરપેકરના પુત્ર સ્વપ્નિલ ફાતેરપેકરે સોનૂની ધક્કામુક્કી કરી હતી. પરિણામે સોનૂ સ્ટેજના પગથિયા પર પડી ગયો હતો. તેના અંગરક્ષક અને તેની ટીમના અમુક કલાકારોની પણ મારપીટ કરાઈ હતી. રબ્બાની ખાન નામના એક ગાયક કલાકારને સ્ટેજ પરથી નીચે ફેંકી દેવાયો હતો. રબ્બાની ખાન સોનૂના સંગીતગુરુ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનો પુત્ર છે. સોનૂને તરત જ નજીકની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં એનો પ્રાથમિક ઉપચાર કરાયો હતો અને ડોક્ટરોએ એને ડિસ્ચાર્જ કર્યો હતો. ત્યાંથી એ પોલીસ સ્ટેશનમાં ગયો હતો અને સ્વપ્નીલ ફાતેરપેકર સામે ફરિયાદ નોંધાવી હતી. સ્વપ્નીલ ફાતેરપેકરે સોનૂ સાથે ફોટો પાડવા માટે જબરદસ્તી કરી હતી. સોનૂએ ના પાડતાં એણે સોનૂને ધક્કા મારવાનું શરૂ કર્યું હતું. તે ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.

પોલીસ અધિકારી હેમરાજસિંહ રાજપૂતનું કહેવું છે કે સોનૂ સાથે વાત કર્યા બાદ અમને એવું જણાયું છે કે તે ઘટના ઈરાદાપૂર્વકની નહોતી. એક વ્યક્તિએ ધાંધલ કરી હતી. સ્વયંસેવકોએ પરિસ્થિતિને સંભાળી લીધી હતી. એફઆઈઆરમાં માત્ર એક જ જણનું નામ આપવામાં આવ્યું છે.