કોલકાતાઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ન્યુ ઝીલેન્ડ સામેની T20 મેચમાં સતત ત્રીજી વાર ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને મોટો સ્કોર કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ધુઆંધાર બેટિંગ કરતાં 56 રનની ઇનિંગ્સ રમી હતી. આ મેચમાં ફટકારેલી અર્ધ સદી સાથે રોહિતે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે T20 ઇન્ટરનેશનલ મેચોમાં 150 છક્કા મારવાનો રેકોર્ડ પોતાને નામે કર્યો હતો.
જોકે ન્યુ ઝીલેન્ડનો અગ્ર ક્રમનો બેટસમેન માર્ટિં ગપ્ટિલ 161 છક્કાઓની સાથે આ યાદીમાં પ્રથમ ક્રમાંકે છે. એ પછી રોહિત હવે 150 છક્કાઓનો આંકડો પાર કરનાર બીજો બેટ્સમેન બની ગયો છે. ત્યાર પછી વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલ 124 છક્કા મારનારો ત્રીજો બેટ્સમેન છે.આ યાદીમાં ભારતીય વિરાટ કોહલી છે, જે 91 છક્કાઓની સાથે ચોથા ક્રમાંકે છે. રોહિત શર્માએ ન્યુ ઝીલેન્ડની સામે ત્રીજી મેચમાં 50 રન પૂરા કરતા T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 50+નો રેકોર્ડ પોતાને નામે કર્યો હતો. રોહિત અત્યાર સુધી 30 મેચોમાં 50થી વધુ રન બનાવી ચૂક્યો છે. આ પહેલાં એ વિરાટ કોહલીને નામે હતો. વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 29 વખત 50થી વધુ રન બનાવ્યા છે.
આ સિવાય રોહિત શર્મા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં રનોને મામલે વિરાટ કોહલીથી માત્ર 30 રન પાછળ છે. રોહિત શર્માએ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 3197 રન છે, જ્યારે વિરાટ કોહલીને નામે 3227 રનો છે.