કોલંબોઃ એશિયા કપ 2023માં ગ્રુપ સ્ટેજ પૂરું થઈ ચૂક્યું છે. હવે સુપર-ચારમાં ભારત, પાકિસ્તાન, બંગલાદેશ અને શ્રીલંકાની ટીમે જગ્યા બનાવી છે. સુપર-ચારમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે કોલંબોના કેઆર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે, પરંતુ આ મેચ પર વરસાદનું જોખમ છે. આ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી. હવામાન વિભાગના અહેવાલ મુજબ વરસાદની સંભાવના 90 ટકા છે.
એ સાથે તેજ પવન ફૂંકાવાની અને 45 ટકા ચાન્સ વંટોળ આવવાની શક્યતા છે. જોકે આ મેચને હમ્બનટોટામાં શિફ્ટ કરવાની ચર્ચા-વિચારણા હતી, પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપની સુપર ચાર મેચો અને ફાઇનલ મેચોને કોલંબોમાં જ રમાડવા વિશે નિર્ણય કર્યો હતો. આ સ્ટેડિયમમાં રાત્રે વરસાદ થવાની સંભાવના 80 ટકા છે, જ્યારે ભેજ 89 ટકા રહેવાની શક્યતા છે. વળી-રાત્રિ-દિવસે વાદળો છવાયેલાં રહેવાની સંભાવના છે.
એશિયા કપની સુપર-ચારમાં કુલ છ મેચો રમાશે, જેમાં પાકિસ્તાન અને બંગલાદેશની વચ્ચે છઠ્ઠી સપ્ટેમ્બરે લાહોરમાં રમાશે, જ્યારે અન્ય બાકીની મેચો કોલંબોમાં જ રમાશે, જેમાં ફાઇનલ પણ સામેલ છે.
એશિયા કપ 2023માં લીગ સ્ટેજમાં ભારતીય ટીમની પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ હતી, જે વરસાદના કારણે રદ થઈ હતી. જયારે બીજી મેચમાં ભારતે નેપાળ વિરુદ્ધ ડકવર્થ લુઇસ નિયમ અનુસાર 10 વિકેટથી જીત મેળવી હતી. આ જીત સાથે જ ભારત સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગયું હતું. ભારતીય ટીમની ટક્કર 10 સપ્ટેમ્બરે ફરી પાકિસ્તાન સાથે થશે. ત્યાર બાદ 12 સપ્ટેમ્બરે ભારત-શ્રીલંકા સામસામે હશે. ભારતીય ટીમ સુપર-4ની અંતિમ મેચ 15 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ વિરુદ્ધ રમશે.