વર્લ્ડ કપ-2023 ટીમઃ તિલક વર્મા, સંજુ સેમસન, ચહલને ચાન્સ નહીં

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની પસંદગી સમિતિના વડા અજિત આગરકરે આગામી વર્લ્ડ કપ-2023 માટે ભારતની ટીમની આજે જાહેરાત કરી છે. વર્લ્ડ કપ સ્પર્ધા ભારતમાં યોજાવાની છે.

ભારતીય પસંદગીકારોએ દેશની ટીમમાં સાત બેટર, ચાર બોલર, અને ચાર ઓલરાઉન્ડરને પસંદ કર્યા છે. કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐયર ઈજામાંથી સાજા થઈ ગયા બાદ ટીમમાં પાછા ફર્યા છે. મિડલ ઓર્ડર માટે ત્રણ બેટરમાંથી એકની પસંદગી કરવાની હતી – સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને વિકેટકીપર-બેટર સંજુ સેમસન. એમાં 32 વર્ષીય યાદવે બાજી મારી છે. યાદવ જોકે છેલ્લા 18 દાવમાં માત્ર એક જ અડધી સદી કરી શક્યો છે.

વર્લ્ડ કપ સ્પર્ધા પાંચમી ઓક્ટોબરથી શરૂ થશે. પહેલી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે – ગઈ વેળાની ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ અને રનર્સ-અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે. ભારતની પહેલી મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમાશે – ઓસ્ટ્રેલિયા સામે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે. સ્પર્ધાની પહેલી સેમી ફાઈનલ (નંબર1 અને નંબર4 ટીમ વચ્ચે) 15 નવેમ્બરે મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બીજી સેમી ફાઈનલ (નંબર 2 અને નંબર 3 વચ્ચે) 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે. બધી મેચો ડે-નાઈટ હશે અને બપોરે બે વાગ્યાથી શરૂ થશે.