નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે શોધી કાઢ્યું છે કે ભૂતપૂર્વ ક્રિકેટર અને ભાજપના પૂર્વ દિલ્હી મતવિસ્તારના સંસદસભ્ય ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપતા બે ઈમેલ પાકિસ્તાનમાંથી મોકલવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ વિભાગના ઈન્ટેલિજન્સ ફ્યૂઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) એકમના અધિકારીઓએ ગંભીરને બંને ઈમેલ મોકલનાર શખ્સને ઓળખી પણ લીધો છે. એનું નામ શાહિદ હમીદ છે અને તે પાકિસ્તાનમાં રહે છે. એનું IP સરનામું પણ મેળવવામાં આવ્યું છે. આ મામલે તપાસ ચાલુ છે.
હમીદે ગંભીરને ત્રાસવાદી સંગઠન ‘ISIS કશ્મીર’ના નામે ઈમેલ મોકલ્યા હતા. ગંભીરને 24 કલાકના સમયગાળામાં ધમકીભર્યા આ બે ઈમેલ મળ્યા હતા. એને પગલે દિલ્હી પોલીસે ગંભીરના નિવાસસ્થાનની બહાર સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો છે.
