રામલલ્લાનું થયું સૂર્યતિલકઃ ભવ્ય અને દિવ્ય નજારો

અયોધ્યાઃ દેશભરમાં રામ નવમીનો ઉત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. આ અવસરે અયોધ્યામાં અદભુત નજારો જોવા મળ્યો હતો. આ વખતની રામ નવમી બહુ વિશેષ છે, કેમ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પછી રામલલ્લાની આ પહેલી રામ નવમી છે. જેથી રામલલ્લાની પૂરા-અર્ચના કરવામાં આવી હતી. મંત્રોચ્ચારણની સાથે રામલલ્લાનો સૂર્યાભિષેક થયો હતો. આ પ્રસંગે રામ મંદિરનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.

રામ નવમીના ખાસ અવસરે પર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રીરામના કપાળ પર સૂર્યતિલક કરવામાં આવતાં અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અલૌકિક નજારાથી મંદિર પ્રાંગણમાં શ્રીરામના નાદથી ગુંજી ઊઠ્યું હતું. સૂર્યતિલકનો આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ છે. બપોરે બરાબર 12 વાગ્યે રામલલાનું સૂર્ય તિલક થયું. બપોરે 12 કલાક અભિજિત મુહૂર્તમાં રામલલ્લાનું ત્રણ મિનિટ સુધી સૂર્ય તિલક થયું હતું. સૂર્ય તિલક માટે એક ખાસ પ્રકારની ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રામ નવમીના દિવસે બપોરના સમયે સૂર્યનાં કિરણો રામલલ્લાના મસ્તિષ્ક પર પડી હતી અને કાચ અને લેન્સથી જોડાયેલા એક તંત્રને કારણે રામલલ્લાનું સૂર્યતિલક સંભવ થઈ શક્યું હતું. સૂર્યતિલક બાદ ભગવાન શ્રીરામની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવી હતી.

CBRI રૂડકીના વૈજ્ઞાનિક ડો. એસ. કે પાણિગ્રહીએ કહ્યું હતું કે સૂર્ય તિલકનો મૂળ ઉદ્દેશ રામ નવમીના દિવસે માત્ર રામની મૂર્તિ પર તિલક લગાવવાનો હતો. તેમણે કહ્યું હતું કે એક પ્રક્રિયા દ્વારા તેમના મસ્તિષ્ક સુધી સૂર્ય પ્રકાશ લગાવવામાં આવ્યો હતો. તેમણે એ પણ કહ્યું હતું કે પ્રતિ વર્ષ રામ નવમીના દિવસે આકાશ પર સૂરજની સ્થિતિ બદલાય છે.