દૈનિક ભાસ્કર પર આવકવેરાના દરોડાઃ વિપક્ષનો આક્રોશ

ભોપાલ/નવી દિલ્હીઃ દેશના અગ્રગણ્ય દૈનિક અખબાર દૈનિક ભાસ્કરના કાર્યાલય પર આજે આવકવેરા વિભાગે પાડેલા દરોડાને વિરોધ પક્ષોએ વખોડી કાઢ્યા છે અને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે આ દરોડા પડાવવા પાછળ કોઈક મેલી રમત રમાઈ છે. નવી દિલ્હીમાં, વિરોધ પક્ષોએ દરોડાના વિરોધમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને સંસદના બંને ગૃહમાં આજની કાર્યવાહી ખોરવી નાખી છે.

એએનઆઈ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, આવકવેરા વિભાગે દૈનિક ભાસ્કર ગ્રુપની દેશભરમાં અનેક કાર્યાલયો પર આજે સવારે દરોડા પાડ્યા હતા. આમાં ગુજરાત (અમદાવાદ), મહારાષ્ટ્ર, રાજસ્થાન (જયપુર), મધ્ય પ્રદેશ (ભોપાલ) અને દિલ્હીસ્થિત કાર્યાલયોનો સમાવેશ થાય છે. એવો આરોપ મૂકાયો છે કે દૈનિક ભાસ્કર ગ્રુપે કરચોરી કરી છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે પ્રમોટરોના નિવાસસ્થાનો તથા ઓફિસો ખાતે પણ દરોડા પાડવામાં આવ્યા છે. ભોપાલમાં દરોડા પાડવા ગયેલા આવકવેરાના અધિકારીઓને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને મધ્ય પ્રદેશ પોલીસના જવાનોએ સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું.