અમદાવાદમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનો પ્રારંભ

અમદાવાદ: ખેલ જગતમાં એક નવો સુવર્ણ ઇતિહાસ રચાયો છે. શહેરના પ્રતિષ્ઠિત ઈકેએ એરિના ટ્રાન્સસ્ટેડિયા (EKA Arena TransStadia) ખાતે ‘પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ ૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ થયો. વૈશ્વિક સ્તરે રમત તરીકે યોગાસનને સ્થાપિત કરતી આ પ્રથમ ઐતિહાસિક સ્પર્ધા છે. જેમાં વિશ્વના ૭૮ દેશોના ૫૦૦થી વધુ ખેલાડીઓ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે એકત્રિત થયા છે.

આ ભવ્ય સ્પર્ધાને ડિજિટલ માધ્યમથી ખુલ્લી જાહેર કરતાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ક્ષણને યોગાસનના ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત ગણાવી હતી. તેમણે ગૌરવભેર જણાવ્યું કે, “આજે અમદાવાદની પવિત્ર ધરતી પરથી વૈશ્વિક રમતગમતના વારસામાં એક નવું પ્રકરણ જોડાયું છે. આ ચેમ્પિયનશિપ યોગાસનને ભવિષ્યમાં ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓમાં સ્થાન અપાવવા માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.”કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ફિફા ફૂટબોલ વર્લ્ડ કપના ઇતિહાસને યાદ કરતા જણાવ્યું કે પ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપમાં માત્ર ૧૩ દેશોએ ભાગ લીધો હતો, જ્યારે પ્રથમ વિશ્વ યોગાસન સ્પર્ધામાં જ ૭૮ દેશોની હાજરી ભારતની આ પરંપરા પ્રત્યે વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે. તેમણે દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્ષ ૨૦૩૦માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં યોગાસનને એક સ્વદેશી રમત તરીકે સામેલ કરવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વભરના એથ્લેટ્સ, ઓફિશિયલ્સ અને મહેમાનોનું અમદાવાદમાં હાર્દિક સ્વાગત કરીને આ આયોજનને રાજ્ય માટે ગૌરવ સમાન ગણાવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ યોગાસનના અધ્યક્ષ યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજ, મહાસચિવ ડૉ. જયદીપ આર્ય અને યોગાસન ભારતના અધ્યક્ષ ઉદિત શેઠે પણ પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કરીને યોગાસનને આત્મશુદ્ધિ અને માનસિક સ્થિરતા માટેનું શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું હતું.

સ્પર્ધાની મુખ્ય વિશેષતાઓ:

  • વૈશ્વિક પ્રદર્શન: ૭૮ દેશોના ખેલાડીઓ સામે યજમાન ભારત પોતાની ૧૨૨ સભ્યોની મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતર્યું છે.

  • ૫ દિવસની ટક્કર: આગામી પાંચ દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં ખેલાડીઓ વ્યક્તિગત, કલાત્મક (Artistic) અને પરંપરાગત (Traditional) જૂથ સ્પર્ધાઓ સહિત કુલ ૬ વયજૂથોમાં ભાગ લેશે.

  • ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ: રમતગમતના ઇતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણ પારદર્શિતા અને ચોકસાઈ લાવવા માટે વૈશ્વિક સ્તરે હાઇ-ટેક ‘ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ’નો ઉપયોગ થઈ રહ્યો છે.

  • નિર્ણાયકો: મેચોનું તટસ્થ સંચાલન કરવા માટે ૩૨ આંતરરાષ્ટ્રીય અને ૫૧ રાષ્ટ્રીય કક્ષાના જજ તૈનાત કરવામાં આવ્યા છે.