નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એમનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજના વિશેષ દિવસે કેન્દ્ર સરકારે એક અપેક્ષા એવી રાખી છે કે દેશમાં કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીકરણ ઝુંબેશમાં મોટો વેગ મળે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આજે રસીકરણ ઝુંબેશને મોટું બળ પ્રાપ્ત થાય એવી સત્તાવાળાઓને હાકલ કરી છે. એમણે કહ્યું છે કે વડા પ્રધાન મોદીને એમના જન્મદિવસની આ સૌથી ઉચિત ભેટ બની રહેશે. ઉલ્લેખનીય છે કે, મોદીના નેતૃત્ત્વમાં ભારતીય જનતા પાર્ટીએ 2014માં કેન્દ્રમાં સત્તા હાંસલ કરી ત્યારથી પાર્ટી દર વર્ષે મોદીના જન્મદિવસને ‘સેવા દિવસ’ તરીકે ઉજવે છે. ભાજપ આજથી 20-દિવસ સુધી (7 ઓક્ટોબર સુધી) કોરોના-રસીકરણ કાર્યક્રમને વેગ મળે એ માટે જંગી જાહેર ઝુંબેશ હાથ ધરશે. મોદીએ જાહેરજીવનમાં 20 વર્ષ પૂરા કર્યા એની ઉજવણી રૂપે આ ઝુંબેશ હાથ ધરાવાની છે. આ ઝુંબેશને ‘સેવા અને સમર્પણ’ નામ આપવામાં આવ્યું છે. મોદીના જન્મદિવસે દેશભરમાં દોઢ કરોડથી વધારે લોકોને કોરોના રસી આપવાનો ભાજપે લક્ષ્યાંક નક્કી કર્યો છે. આને સિદ્ધ કરી શકાય એ માટે પાર્ટીએ આરોગ્યકર્મીઓને સજ્જ બનાવ્યાં છે.