હાઈકોર્ટે અમુક શરતો સાથે ચારધામ-યાત્રાને મંજૂરી આપી

દેહરાદૂનઃ નૈનીતાલ (ઉત્તરાખંડ) હાઈકોર્ટે ચારધામ યાત્રા પર પોતે જ અગાઉ મૂકેલા સ્ટે ઓર્ડરને હટાવી દીધો છે. શ્રદ્ધાળુઓ હવે અમુક શરતોને આધીન દર્શન કરી શકશે. હાઈકોર્ટે અમુક પ્રતિબંધ સાથે ચારધામ યાત્રાની પરવાનગી આપી છે. ઉત્તરાખંડના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની ખંડપીઠે કેદારનાથ ધામમાં દરરોજ 800 ભક્તો અથવા યાત્રીઓને, બદ્રીનાથ ધામમાં 1,200 જણને, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં કુલ 400 જણને જવાની પરવાનગી આપી છે. ચારેય ધામમાં જવા માગનાર પાસે કોરોનાપ્રતિરોધક રસીના બંને ડોઝ લીધા હોવાનું દર્શાવતું સર્ટિફિકેટ હોવું ફરજિયાત રહેશે. તે ઉપરાંત એની પાસે કોવિડ-19 નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ પણ હોવો ફરજિયાત રહેશે.

રાજ્ય સરકારે ચમોલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લાઓના રહેવાસીઓ માટે 1 જુલાઈથી યાત્રા શરૂ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ હાઈકોર્ટે 28 જૂને તેની પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાના ધ્યાનમાં લઈને ઉત્તરાખંડ સરકારે લીધેલા પગલાં અંગે હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ચારધામ યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. રાજ્ય સરકારે તે આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.