ભારત ઓક્ટોબરથી કોરોના-રસીની નિકાસ ફરી શરૂ કરશે

નવી દિલ્હીઃ ભારત સરકારે કોરોનાવાઈરસ મહામારી પ્રતિરોધક રસીઓની નિકાસ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કરી છે. ગયા એપ્રિલ મહિનામાં દેશમાં કોવિડ-19ની બીજી લહેર ફેલાવાનું શરૂ થયા બાદ મહામારીના કેસ વધી ગયા હતા તેથી દેશમાં રસીકરણને વેગ આપવા માટે ભારત સરકારે રસીઓની નિકાસ બંધ કરી દીધી હતી. ભારત દુનિયામાં સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે. ભારતે રસીની નિકાસ બંધ કરી દેતાં ઘણા વિકાસશીલ દેશોને રસીની અપૂરતી સપ્લાયને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારત સરકાર દેશમાં વધારાની ઉત્પાદિત કોરોના રસીઓનું ગરીબ-વિકાસશીલ દેશોને દાન પણ કરે છે. આ દાન પણ બંધ કરવામાં આવ્યું હતું, જે ઓક્ટોબરથી ફરી શરૂ કરાશે. માંડવિયાએ કહ્યું છે કે કોરોના સામેના સહિયારા જંગ માટે દુનિયાના દેશો પ્રતિ ભારતની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટે ભારત વધારાની કોરોના રસીનું દાન કરશે. જોકે ભારતવાસીઓને રસી આપવાની કામગીરી સરકારની ટોચની પ્રાથમિકતા બની રહેશે.