પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાનો જામીન પર છુટકારો

મુંબઈઃ પોર્નોગ્રાફીક ફિલ્મના નિર્માણ અને વિતરણના કેસમાં જેલમાં પૂરી દેવામાં આવેલા ઉદ્યોગપતિ અને મુખ્ય આરોપી રાજ કુન્દ્રાને આજે અહીં એક મેજિસ્ટ્રેટની કોર્ટે જામીન મંજૂર કર્યા છે. મેજિસ્ટ્રેટે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ કુન્દ્રાને રૂ. 50,000ની સ્યોરિટી પર જામીન મંજૂર કર્યા છે. કુન્દ્રાની સાથે અન્ય આરોપી રાયન થોર્પને પણ જામીન મંજૂર કરાયા છે. બે દિવસ પૂર્વે એમણે પ્રશાંત પાટીલ નામના વકીલ મારફત જામીન અરજી નોંધાવી હતી.

કુન્દ્રાની ગઈ 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. કુન્દ્રાએ જામીન અરજીમાં એમ જણાવ્યું હતું કે એમને આ કેસમાં બલીનો બકરો બનાવવામાં આવ્યો છે. પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટ એવો એકેય પુરાવો નથી જેમાં એવું દર્શાવ્યું હોય કે પોતે આ કેસમાં સક્રિય રીતે સંડોવાયેલા છે. પોલીસના ક્રાઈમ બ્રાન્ચ વિભાગે થોડા જ દિવસો પૂર્વે કુન્દ્રા તથા અન્ય આરોપીઓ સામે પૂરક ચાર્જશીટ નોંધાવી હતી. તેમની પર આરોપ મૂક્યો હતો કે આરોપીઓએ પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવી હતી અને તે કેટલીક મોબાઈલ એપ્લિકેશન મારફત પ્રસારિત કરી હતી.