મહારાષ્ટ્રમાં રવિવારથી નાઈટ-કર્ફ્યૂ લાગુ કરાશે

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસના કેસ ભયજનક રીતે વધી ગયા હોવાથી રવિવાર 28 માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ આજે જિલ્લા કલેક્ટરો અને વિભાગીય કમિશનરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજાયા બાદ સરકારે નાઈટ-કર્ફ્યૂનો નિર્ણય લીધો છે. કર્ફ્યૂનો સમય રાતે 9થી સવારે 6 વાગ્યા સુધીનો રહે એવી ધારણા છે. શોપિંગ મોલ્સને રાતના 8થી બીજે દિવસે સવારે 7 વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આજે કહ્યું હતું કે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન ફરી લાગુ કરવું જોઈએ કે નહીં તે વિશેનો નિર્ણય મહાવિકાસ આઘાડી સરકાર 2 એપ્રિલ પછી લેશે.

નાયબ મુખ્ય પ્રધાને રાજ્યમાંની પરિસ્થિતિ વિશે આજે સમીક્ષા કરી હતી. આજની બેઠકમાં ટોચના સરકારી અધિકારીઓ, મેડિકલ નિષ્ણાતો તથા સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. એમાં તમામનો એવું મંતવ્ય હતું કે જો કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધતી જ રહે તો આપણી પાસે ફરી કડક લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. અજિત પવારે લોકોને ચેતવણી આપી છે કે તેઓ કોવિડ-19ને લગતા નિયમોનું કડક રીતે પાલન કરે નહીં તો મહારાષ્ટ્ર સરકારને ફરી લોકડાઉન લાગુ કરવાની ફરજ પડશે. અમે 2-એપ્રિલ સુધી પરિસ્થિતિનું નિરીક્ષણ કરીશું અને જો અમને જણાશે કે લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરતા નથી તો સરકાર પાસે લોકડાઉન લાગુ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે.