કોરોના સંકટઃ ચીનમાંથી ભારતીયોને લાવવા એર ઈન્ડિયાનું વિમાન સજ્જ

મુંબઈ – ચીનમાં કોરોના નામની એક નવી બીમારીને કારણે અત્યાર સુધીમાં 106 જણ માર્યા ગયા છે અને નવા 1300 કેસ નોંધાયા છે. આખા ચીનમાં ગભરાટ ફેલાયેલો છે ત્યારે ત્યાં ફસાઈ ગયેલા ભારતીયોને દેશમાં પાછા લાવવા માટે કેન્દ્ર સરકારે વ્યવસ્થા કરી છે.

કોરોના વાઈરસનું કેન્દ્રબિંદુ વુહાન શહેર ગણાય છે, જે હુબેઈ પ્રાંતમાં આવેલું છે.

મુંબઈમાં એર ઈન્ડિયાના બોઈંગ 747 વિમાનને તૈયાર રાખવામાં આવ્યું છે અને સૂચના મળે કે તરત એ ચીન જવા રવાના થશે અને વુહાન શહેરમાંથી ફસાયેલા ભારતીયોને પાછા લાવશે.

વુહાન શહેર

ભારતમાં સત્તાવાળાઓ બીજિંગમાંની ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. દૂતાવાસના અધિકારીઓ પણ ભારતીયોને મદદરૂપ થવા માટે ચીનના વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે.

બીજિંગમાંની ભારતીય દૂતાવાસ માટે 3 હોટલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

818612083617,

818612083629,

818610952903

વુહાન શહેરમાં આશરે 250 ભારતીય વિદ્યાર્થીઓ તથા અન્ય નાગરિકો ફસાઈ ગયા છે.

ચીનમાં કોરોના વાઈરસને કારણે શાળા-કોલેજો હજી બંધ છે.

એર ઈન્ડિયાના વિમાનને વુહાન મોકલવા માટે એર ઈન્ડિયાને અનેક પ્રકારની મંજૂરીઓ લેવી પડે એમ છે, જે માટે તે પ્રયત્નશીલ છે. વુહાન એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનને ઉતારવાની વિશેષ મંજૂરી માગવામાં આવી છે.

ભારત સરકારે કહ્યું છે કે ચીનમાં ફસાઈ ગયેલા ભારતીયોને પરત લાવવા માટે આપણે સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયા છીએ. એર ઈન્ડિયાનું વિમાન, તેના ક્રૂ મેમ્બર્સ, મેડિકલ ટીમ સજ્જ છે તથા વિમાન માટે જરૂરી તમામ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. પરંતુ વુહાન શહેરમાં હાલ લોકડાઉનની સ્થિતિ છે અને ત્યાં ઘણી સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.