છેવટે અલગ બોડોલેન્ડની આશંકાઓ પર પૂર્ણવિરામ

નવી દિલ્હી: ઈશાનના રાજ્યોમાંથી ઉગ્રવાદનો અંત લાવવાનું વચન આપી સત્તા પર આવેલી નરેન્દ્ર મોદી સરકારને એક મોટી સફળતા મળી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત, અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનો વાલ અને હિમંતા વિશ્વ શર્માની હાજરીમાં બોડો શાંતિ સમજૂતી 2020 પર હસ્તાક્ષર કર્યા. આ દરમ્યાન બોડો આંદોલન સાથે જોડાયેલા તમામ નેતાઓ સામેલ હતા. આ સમજૂતીની સાથે જ લગભગ 50 વર્ષથી ચાલતો અલગ બોડોલેન્ડનો વિવાદ સમાપ્ત થઈ ગયો, જેમાં અત્યાર સુધીમાં 2900 નાગરિકો, 239 સુરક્ષાકર્મી અને 900 જેટલા બોડોલેન્ડ આંદોલન સાથે જોડાયેલા  લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ પ્રસંગે ગૃહમંત્રીએ જાહેરાત કરી કે, 30 જાન્યુઆરી  ઉગ્રવાદી જૂથ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના 1535 કેડર હથિયારો સાથે આત્મસમર્પણ કરશે. શાહે કહ્યું કે, આ સમજૂતી બાદ હવે અસમ અને બોડોના લોકોનું સુવર્ણ ભવિષ્ય સુનિશ્ચિત થશે. તેમણે આશ્વાસન આપ્યું કે, કેન્દ્ર સરકાર બોડો સમુદાયને અપેલા તમામ વચનોને સમયબદ્ધ રીતે પૂરા કરશે. તેમણે કહ્યું કે ,આ સમજૂતી બાદ હવે અસમના ભાગલા પડવાની આશંકા ખતમ થઈ ગઈ છે. તો બીજી તરફ અમમમાં અનેક નોન બોડો સમુહોએ આ સમજૂતીનો વિરોધ કર્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, બોડો સમજૂતી બાદ હવે શાંતિ, સદભાવ અને એકતાની નવી સવાર આવશે. સમજૂતી બોડો લોકો માટે પરિવર્તનકારી પરિણામ લાવશે. આ સમજૂતી બોડો લોકોની અનોખી સંસ્કૃતિનું રક્ષણ કરશે અને તેને લોકપ્રિય બનાવશે.

શું છે બોડો વિવાદ?

લગભગ 50 વર્ષ પહેલા આસામના બોડો બહુમતી વિસ્તારોમાં અલગ રાજ્ય બનાવવાને લઈને હિંસાત્મક વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ એનડીએફબીએ કર્યું. આ વિરોધ એટલો વધી ગયો કે, કેન્દ્ર સરકારે અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, 1967 અંતર્ગત એનડીએફબીને ગેરકાયદે જાહેર કરી દીધો. બોડો ઉગ્રવાદીઓ પર હિંસા, જબરજસ્તીથી ઉઘરાણી અને હત્યાનો આરોપ છે.

બોડો આસામનો સૌથી મોટો આદિવાસી સમુદાય છે, જે રાજ્યની કુલ વસ્તીના 5થી 6 ટકા છે. એટલું જ નહીં, લાંબા સમય સુધી આસામનો મોટો ભાગ બોડો આદિવાસીઓના નિયંત્રણમાં રહ્યો છે. આસામના ચાર જિલ્લા કોકરાઈઝાર, બાક્સા, ઉદાલગુરી અને ચિરાંગને ભેગા કરીને બોડો ટેરોટિરિયલ એરિયા ડિસ્ટ્રિકની રચના કરાઈ છે. આ જિલ્લામાં ઘણા અન્ય જાતિના જૂથ પણ રહે છે. બોડો લોકોએ વર્ષ 1966-67માં રાજકીય જૂથ પ્લેન્સ ટ્રાઈબલ કાઉન્સિલ ઓફ આસામના બેનર હેઠળ અલગ રાજ્ય બોડોલેન્ડ બનાવવાની માંગ કરી હતી.