નવી દિલ્હીઃ AIMIM પાર્ટીના પ્રમુખ અને હૈદરાબાદના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીની કાર પર ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશમાં હાપુડ જિલ્લામાં કરાયેલા ગોળીબારની ઘટના વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. એમણે કહ્યું કે, ઓવૈસીની કાર પર ગોળીબારની ઘટના બાદ ત્વરિત પગલું ભરવામાં આવ્યું હતું. ઓવૈસી પર કરાયેલા હુમલા વિશે તપાસ ચાલુ છે. મામલામાં તપાસ ગંભીરતાપૂર્વક ચાલી રહી છે. બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમની પાસેથી બે ગેરકાયદેસર પિસ્તોલ અને એક અલ્ટો કાર જપ્ત કરવામાં આવી છે. ઓવૈસીએ તે દિવસે એમના કાર્યક્રમની સરકારને જાણ કરી નહોતી. એ કોઈ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ નહોતો. ઓવૈસીની મુલાકાત વિશે જિલ્લા કન્ટ્રોલ રૂમને કોઈ જાણકારી અપાઈ નહોતી.
અમિત શાહે વધુમાં કહ્યું કે, તે હુમલા બાદ કેન્દ્ર સરકારે ઓવૈસીને ‘ઝેડ’ સિક્યુરિટી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ ઓવૈસીએ તે સુરક્ષા કવચ સ્વીકારવાની ના પાડી દીધી હતી. મારી તેમને ફરી વિનંતી છે કે સરકાર દ્વારા આપવામાં આવતી આ ‘Z’ સુરક્ષા વ્યવસ્થાનો એ સ્વીકાર કરી લે અને સરકારની ચિંતાનો અંત લાવી દે.