કેન્દ્ર વિ રાજ્યઃ નવા એરપોર્ટ માટે સિંધિયા-મમતા વચ્ચે ઘર્ષણ

કોલકાતાઃ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NSCBI) એની મહત્તમ ક્ષમતાએ પહોંચી ગયું છે. જેથી કેન્દ્ર કોલકાતામાં એક નવું એરપોર્ટ સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે વાતચીત કરી હતી. જોકે સિવિલ એવિયેશનપ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈ કાલે કહ્યું હતું કે કેન્દ્ર પાસે પશ્ચિમ બંગાળમાં નવું એરપોર્ટ વિકસાવવા માટે એક યોજના છે. પણ મમતા સરકાર કેન્દ્રને જમીન ઉપલબ્ધ નથી કરાવી રહી. રાજ્ય અને કેન્દ્રમાં વિરુદ્ધ સરકારોને કારણે રાજકારણ રમાઈ રહ્યું છે.

જ્યારથી NSCBI એરપોર્ટ એની મહત્તમ ક્ષમતાએ પહોંચી ગયું છે, ત્યારથી તેઓ આશરે છ મહિનાથી મુખ્ય પ્રધાન સાથે જમીન ફાળવવા માટે રાજ્ય સરકાર સાથે વાતચીત કરવાની માગ કરી રહ્યા છે, પણ હજી સુધી કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. અમે ઇચ્છીએ છીએ કોલકાતામાં વધુ એક નવું એરપોર્ટ બનાવવામાં આવે, પણ કેટલાંય વર્ષોથી, પત્ર વ્યવહાર અને નવી જમીન માટેના વિચારોની આપ-લે છતાં રાજ્ય સરકાર કોઈ નક્કર જવાબ નથી આપી રહી અને નથી પગલાં લઈ રહી, એમ સિંધિયા પત્રકાર પરિષદમાં કહ્યું હતું.  

હાલ NSCBIની દૈનિક ક્ષમતા 8600 પ્રવાસીઓની છે અને અમે નવા ટર્મિનલ થકી પ્રતિદિન 10થી 11,000 પ્રવાસીઓની ક્ષમતા સ્થાપિત કરવા માગીએ છીએ. અમે નવું NSCBI એરપોર્ટ બાંધવા માટે રૂ. 700 કરોડનું મૂડીરોકાણ કરવા ધારીએ છીએ. વળી, એમાં રૂ. 300 કરોડના ખર્ચે એક નવા ટેક્નિકલ બ્લોક કમ કન્ટ્રોલ ટાવર પણ ચાલુ કરવાની યોજના છે. આ ઉપરાંત એરપોર્ટ પર રૂ. 265 કરોડના ખર્ચે ટેક્સીવે પણ બનાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.