એક જ વર્ષમાં 26 લાખ પર્યટકોએ લીધી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં શ્રોતાઓને જાણકારી આપી કે ગુજરાતમાં એક જ વર્ષના સમયગાળામાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સ્મારકની 26 લાખથી પણ વધારે પર્યટકોએ મુલાકાત લીધી છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને ગુજરાત સરકારે દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન, મહાન સ્વાતંત્ર્યસેનાની સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવ્યું છે જે દુનિયામાં સૌથી ઊંચા કદની પ્રતિમા છે.

મોદીએ આજે કહ્યું કે, વિશ્વનું આ સૌથી ઊંચું સ્ટેચ્યુ પ્રત્યેક ભારતીય માટે ગૌરવ સમાન છે. પ્રત્યેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું કરે એવું છે. તમને એ જાણીને આનંદ થશે કે માત્ર એક જ વર્ષમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની 26 લાખથી વધારે લોકો મુલાકાત લઈ ચૂક્યા છે.

મોદીએ વધુમાં ઉમેર્યું કે, 2018ની 31 ઓક્ટોબરે સરદાર સાહેબની યાદમાં એમના સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું રાષ્ટ્ર તથા વિશ્વને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દુનિયામાં સૌથી ઊંચી પ્રતિમા છે. અમેરિકાની ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ પ્રતિમા કરતાં પણ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વધારે ઊંચી છે.

વલ્લભભાઈના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સ્મારકની નોંધ અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને પણ કરી હોવાની વડા પ્રધાન મોદીએ આજે નોંધ લીધી હતી. એમણે કહ્યું કે ટાઈમ મેગેઝિને વિશ્વભરમાં 100 સૌથી મહત્ત્વના પર્યટન સ્થળો વિશે તેની યાદીમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નો પણ સમાવેશ કર્યો છે.

વડા પ્રધાને દિવાળી તહેવાર નિમિત્તે લોકોને શુભેચ્છા આપતાં કહ્યું કે નાગરિકોએ ઉત્સવો દરમિયાન અન્ય રાજ્યો તથા દેશોનાં લોકોને પણ આવકારવા જોઈએ. એમ કરવાથી ઉત્સવ પર્યટન વિકસે છે.