મુંબઈમાં લોકલ ટ્રેન સેવા બંધ નહીં કરાય; CM ઠાકરેની જાહેરાત

મુંબઈઃ કોરોના વાઈરસને કારણે મુંબઈમાં એક વરિષ્ઠ નાગરિકનું મૃત્યુ થતાં અને આ રોગચાળાના ફેલાવાને રોકવા માટે મુંબઈમાં લોકલ ટ્રેન સેવા, મેટ્રો ટ્રેન, મોનોરેલ સેવા તથા બસ સેવાને 7 દિવસ માટે બંધ રાખવી કે નહીં એ વિશેના પ્રસ્તાવ પર આજે મહારાષ્ટ્ર સરકારે વિસ્તૃતપણે ચર્ચા કરી હતી. જોકે મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેસીએ ટ્રેન-બસ સેવા બંધ કરાય એની સામે વિરોધ કર્યા બાદ સેવાઓ બંધ ન કરવાનો સરકારે નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સમક્ષ બાદમાં સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી.

કોરોના વાઈરસનો ફેલાવો ત્રીજા તબક્કામાં પહોંચ્યો છે. આ તબક્કો ખૂબ જ કટોકટીભર્યો હોવાથી એ વખતે ખાસ સંભાળ રાખવી જરૂરી છે એવું તબીબી નિષ્ણાતોએ જણાવ્યું છે.

જ્યાં લોકોની મોટા પાયે ગીરદી થતી હોય એવા સ્થળોએ કોરોના વાઈરસ ફેલાવાની સંભાવના વધારે હોવાથી લોકલ ટ્રેન સેવા અને બસ સેવા બંધ કરી દેવામાં આવે તો રેલવે સ્ટેશનો તથા બસ મથકો ખાલી રહે અને લોકો પોતપોતાના ઘરમાં જ રહે અને રોગચાળો ફેલાય નહીં, એવો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત રાજ્યના શહેરોમાં શાળા-કોલેજો, યુનિવર્સિટી કેમ્પસ, શોપિંગ સેન્ટરો, શોપિંગ મોલ્સ, થિયેટરો, સ્વિમિંગ પૂલ, મોટા મંદિરોને બંધ કરાવી દીધા છે. મોટી સભાઓ અને બેઠકો યોજવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનો હાલ બીજો તબક્કો ચાલુ છે. ત્રીજો તબક્કો પંદરેક દિવસનો હશે અને એમાં જ ભારતવાસીઓએ ખાસ સંભાળવાનું છે. આ તબક્કા દરમિયાન લોકો મોટી સભાઓમાં એકત્ર ન થાય એટલા માટે મુંબઈને લોકડાઉન કરી દેવું કે નહીં એ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન અજીત પવાર, રાજ્ય સરકાર, પોલીસ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઠાકરેએ એમ પણ કહ્યું કે લોકલ ટ્રેન અને બસ સેવા અતિ આવશ્યક સેવાઓમાં ગણાય છે તેથી એને બંધ કરી શકાય નહીં. પરંતુ જો લોકો શિસ્ત નહીં પાળે અને કારણ વગર પ્રવાસ ન કરવાની અપીલની અવગણના કરીને ટ્રેનો અને બસમાં ગીરદી કરતા રહેશે તો અમારે આ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લેવો પડશે.

મહારાષ્ટ્રના અલ્પસંખ્યક લોકોના વિકાસ ખાતાના પ્રધાન અને એનસીપી પાર્ટીના નેતા નવાબ મલિકે પણ કહ્યું કે મુંબઈમાં લોકલ ટ્રેન અને બસ સેવા બંધ કરવામાં આવનાર નથી.

દરમિયાન, વધુ બે દર્દીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવતાં મહારાષ્ટ્રમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા વધીને 40 થઈ છે.

મુંબઈમાં ઈસ્કોન સંસ્થાનું શ્રીકૃષ્ણ મંદિર પણ આજથી 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.

મુંબઈમાં પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર તથા યાત્રાધામ શિર્ડી ખાતેનું સાઈબાબા મંદિર પણ આજથી બંધ કરી દેવામાં આવ્યું છે.

કોરોના વાઈરસને કારણે મધ્ય રેલવેએ મુંબઈ, પુણે, નાગપુર જતી લાંબા અંતરની 22 ટ્રેનોને 17થી 31 માર્ચ સુધી રદ કરી દીધી છે.

મુંબઈના સ્ટેશનો પર વેઈટિંગ રૂમ્સ પણ બંધ રાખવામાં આવશે.