મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારમાં ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ એમ કહીને ભારતીય જનતા પાર્ટીની ઝાટકણી કાઢી છે કે દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાની ત્રીજી લહેરનું જોખમ માથે ઝળૂંબે છે ત્યારે કેટલીક વિધાનસભાઓની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના નેતાઓ દેશભરમાં જન આશીર્વાદ યાત્રાઓ કાઢી રહ્યાં છે. એનસીપીના વડા પ્રવક્તા અને રાજ્યના પ્રધાન નવાબ મલિકે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ભાજપના નેતાઓએ સમજવું જોઈએ કે ચૂંટણીઓ કરતાં લોકોનાં જાન વધારે મહત્ત્વના છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેન્દ્રીય પ્રધાનો તરીકે નિયુક્ત કરાયેલા મહારાષ્ટ્રનિવાસી નારાયણ રાણે, ભારતીય પવાર, કપિલ પાટીલ અને ભાગવત કરાડ મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં જન આશીર્વાદ યાત્રા પર નીકળ્યાં છે. નવાબ મલિકે કહ્યું કે ભાજપની આ યાત્રાઓને કારણે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધી ગયું છે. ત્રીજી લહેર માટે અમે એમને જવાબદાર ગણાવીશું. જો કોરોના નિયંત્રણોનો ભંગ કરાશે તો આયોજકો સામે ફરિયાદો નોંધીશું.