પોલીસ, મહાપાલિકાએ પાંચ નકલી ‘સિનિયર’ ડોક્ટરોને પકડ્યા

મુંબઈઃ શહેરની પોલીસ અને બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ ઈશાન ભાગના ચેંબૂર, ગોવંડી અને શિવાજીનગર ઉપનગરોની ઝૂંપડપટ્ટીઓમાં દરોડો પાડીને પાંચ બોગસ ‘સિનિયર’ ડોક્ટરોને પકડી પાડ્યા છે.

વિશ્વસનીય બાતમી મળ્યા બાદ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એમ. નાનાવરે અને કોન્સ્ટેબલ એન.બી. સાવંતે કેસમાં તપાસ આદરી હતી અને ત્યારબાદ મહાનગરપાલિકાના સહાયક આરોગ્ય અધિકારી ડો. પ્રિયા કોલીને જાણ કરી હતી. તે પછી બીએમસી અને પોલીસની એક સંયુક્ત ટીમે ઝૂંપડપટ્ટીઓમાં પાંચેય ડોક્ટરોના આવાસે છાપો માર્યો હતો. એ ડોક્ટરો બીમાર લોકોની અનેક પ્રકારની સારવાર કરીને એમને મોટી રકમ ચાર્જ કરતા હતા. આ ડોક્ટરો પાસે કોઈ મેડિકલ ડિગ્રી નથી કે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ તરફથી કોઈ સર્ટિફિકેટ કે રજિસ્ટ્રેશન પણ મેળવ્યું નથી. તેઓ નકલી હોવાનું બહાર આવ્યું છે. આ પાંચેય ડોક્ટર પુરુષ છે અને એમની ઉંમર 43-53 વર્ષની છે.