‘જન-આશીર્વાદ-યાત્રા’: ભાજપના નેતાઓ સામે કુલ 42 FIR

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાને રોકવા માટે લાગુ કરાયેલા નિયંત્રણોનો ભંગ કરીને ‘જન આશીર્વાદ યાત્રા’ઓ કાઢવા બદલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે મુંબઈ પોલીસે નવી 7 એફઆઈઆર ફરિયાદ નોંધી છે. આ સાથે આ એફઆઈઆરનો કુલ આંક 42 થયો છે. નવી 7 એફઆઈઆર કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ગયા અઠવાડિયે કાઢેલી જન આશીર્વાદ યાત્રા વખતે કોરોના નિયમોનાં કરાયેલા ઉલ્લંઘનને લગતી છે. ગઈ કાલે, શનિવારે પોલીસે ભાજપની રેલીઓ સામે મુંબઈના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 17 એફઆઈઆર ફરિયાદો નોંધી હતી. 17 ફરિયાદો મુલુંડ, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ, પંત નગર, ખાર, સાંતાક્રુઝ, પવઈ, એમઆઈડીસી, સાકી નાકા, ગોરેગાંવ, ચારકોપ-કાંદિવલી, બોરીવલી વિસ્તારોમાં નોંધવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં ગઈ કાલે શનિવારે કોરોનાના નવા 4,575 કેસ નોંધાયા હતા અને 145 નવા મૃત્યુની નોંધણી થઈ છે. 5,914 દર્દીઓ આ વાઈરસ ચેપમાંથી સાજા પણ થયાં છે, એમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે. મુંબઈમાં ગઈ કાલે કોરોનાના નવા 262 કેસ નોંધાયા હતા અને નવા પાંચ મૃત્યુ નોંધાયા હતા.