મુંબઈઃ રેલવે મંત્રાલયે એવો દાવો કર્યો છે કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતીય રેલવેના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મોટું બળ પ્રાપ્ત થયું છે. મહારાષ્ટ્રમાં આ યોજના માટે 98 ટકાથી વધારે જમીન પ્રાપ્ત કરી લેવામાં આવી છે.
118 કિલોમીટરના અંતરમાં પિયર્સ (થાંભલા) ઊભા કરવામાં આવ્યા છે અને ગર્ડર્સ (ભાલ) બેસાડવામાં આવ્યા છે. બુલેટ ટ્રેન માટેના સ્ટેશનોનું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં સરકાર બદલાતાં યોજના આડે આવતા અવરોધો દૂર થયા છે અને જમીન પ્રાપ્તિની સમસ્યા દૂર થઈ છે. ગુજરાતમાં 98.87 ટકા જમીન જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 100 ટકા જમીન પ્રાપ્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં બુલેટ ટ્રેન યોજનાનું 30 ટકા જેટલું કામ પૂરું થઈ ગયું છે જ્યારે મહારાષ્ટ્રમાં 13 ટકા જેટલું કામ પૂરું થયું છે.
આ યોજના 508 કિલોમીટરની છે. તેનો ઘણો ખરો ભાગ ગુજરાતમાં હશે. ગુજરાતમાં આણંદ, સુરત, વડોદરા, ભરૂચ, બિલીમોરા, વાપી અને નવસારી જિલ્લાઓમાં સ્ટેશનો બાંધવાનું કામ ચાલુ છે.
(તસવીર સૌજન્યઃ @RailMinIndia)