બે શોર્ટ ફિલ્મોની પ્રસ્તુતિ, સર્જકો સાથે સંવાદ

મુંબઈઃ આપણે થિયેટરમાં અને હવે ઓટીટી પ્લેટફોર્મ પર અઢળક ફિલ્મો જોતા હોઈએ છીએ, પરંતુ ફિલ્મ જગતમાં શોર્ટ ફિલ્મોનું એક નોખું સ્થાન છે, જે માત્ર મનોરંજન જ નહી, પરંતુ મનોમંથન કરવા પ્રેરે છે, જીવનના પથ પર માર્ગદર્શક અને પ્રેરકબળ પણ બને છે. આવી ટૂંકી ફિલ્મો પાંચ મિનિટથી લઈને મહત્તમ ૩૦ મિનિટ સુધીની હોય છે અને તેમાં અનેકવાર જીવનની-સમાજની વાસ્તવિક ઘટનાઓને, સમાજના સાચા હીરો (હીરો એટલે માત્ર પુરુષ જ નહીં, સ્ત્રી)ને પણ રજૂ કરવામાં આવે છે. આ ફિલ્મો કઈ રીતે બને છે? તેની પાછળના ઉદ્દેશ્ય શું હોય છે? તે કઈ રીતે લોકોમાં જાગૃતિ અને પ્રેરણા ફેલાવી શકે છે? આ વિષયો પર આવી ફિલ્મો દર્શાવવા સાથે તેના નિર્માતા, લેખક, દિગ્દર્શક, કલાકારોને પણ રુબરુ મળી શકાય અને સંવાદ કરી શકાય એ હેતુ સાથે કાંદિવલીની સંસ્થા ‘સંવિત્તિ’એ તા.૨૫ ડિસેમ્બરે રવિવારે સાંજે ૫.૩૦ કલાકે એક નોખા કાર્યક્રમનું આયોજન કર્યુ છે.

કળા, સાહિત્ય, સંગીત, સંસ્કૃતિ, વિજ્ઞાન વગેરેના પ્રચાર-પ્રસાર માટે સાત વરસથી સતત કાર્યરત ‘સંવિત્તિ’ની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, આ કાર્યક્રમમાં બે શોર્ટ ફિલ્મો દર્શાવવામાં આવશે. એક ફિલ્મનું નામ છે ‘મૂળસોતાં’ (ગુજરાતી-૩૦ મિનિટ) અને બીજીનું નામ છે ‘ધ બ્લાઈન્ડ ડેટ’ (હિંદી-૧૭ મિનિટ). ગુજરાતી ફિલ્મ ‘મૂળસોતાં’ના ડિરેક્ટર સુરતના યુવાન જનાન્તિક શુકલ છે, નિર્માતા મિતેષ સુશિલા અને સિનેમેટોગ્રાફર પ્રતિક ભાલાવાલા છે, જેમણે સત્ય ઘટના પર આધારિત, આદિવાસીઓની જમીન સરકાર દ્વારા હડપ કરી લેવાના મુદ્દે થયેલી કાનુની લડાઈ અંગે દસ્તાવેજી ફિલ્મ બનાવી છે. પોતાના મૂળને સાચવીને સાબુત રાખવામાં કઈ રીતે આદિવાસીઓની જીત થઈ અને સરકારે કાયદામાં સુધારા કરવા પડ્યા તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

બીજી ફિલ્મ ‘ધ બ્લાઈન્ડ ડેટ’ના સર્જક કાંદિવલી (મુંબઈ)ના યુવાન મિહિર ધીરજ ઉપાધ્યાય છે. જેમણે બે અંધ યુવા પ્રેમીઓની લાગણીઓને 17 મિનિટની ફિલ્મમાં બહુ ભાવવાહી રીતે પ્રસ્તુત કરી છે. આમાં કોઈ મેલોડ્રામા નથી. બે હૃદયની સંવેદના-લાગણીની અભિવ્યકિત છે.

આ બંને યુવા સર્જકોની ફિલ્મોને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ ભારતમાં પણ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે. આ બંને ફિલ્મના કલાકારો-સર્જકો કાર્યક્રમમાં હાજર રહેશે અને ફિલ્મ બનાવવા પાછળના તેમના ઉદ્દેશ્ય અને સર્જન-પ્રક્રિયા વિશે વાતો કરશે તેમજ શ્રોતાઓ સાથે સંવાદ પણ કરશે. આ કાર્યક્રમમાં હાજર રહેવા જાહેર આમંત્રણ છે. એ માટે કોઈ ચાર્જ નથી.

કાર્યક્રમનું સ્થળઃ કેઈએસ (કાંદિવલી એજ્યુકેશન સોસાયટી), પંચોલિયા હોલ, ત્રીજે માળે, ટી.પી. ભાટિયા કોલેજ, કાંદિવલી રિક્રીએશન કલબની સામે, કાંદિવલી-વેસ્ટ, મુંબઈ.

રવિવારઃ ૨૫-૧૨-૨૦૨૨, સમયઃ સાંજે ૫.૩૦.