ફોરેન રિટર્ન તરુણી ચૂંટણી જીતી, બની મહારાષ્ટ્રના ગામની સરપંચ

સાંગલીઃ અમેરિકાના જ્યોર્જિયામાં મેડિસીન વિષયનું ઉચ્ચ શિક્ષણ મેળવી પાછી આવેલી એક તરુણીએ એક અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. યશોધરા મહેન્દ્રસિંહ શિંદે નામની તરુણીએ મહારાષ્ટ્રમાં સાંગલી જિલ્લાના વડ્ડી ગામની ગ્રામપંચાયતની ચૂંટણીમાં ઝુકાવ્યું હતું અને તેમાં જીત મેળવીને એ સરપંચ બની છે. યશોધરાની પેનલે આ ચૂંટણીમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડી હતી અને એના તમામ પ્રતિનિધિઓ બધી બેઠકો પર વિજયી થયા છે. યશોધરાએ તેનાં હરીફ સામે 147 મતોના માર્જિનથી વિજય મેળવ્યો છે. ગયા રવિવારના મતદાન બાદ ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ ગઈ કાલે જાહેર કરવામાં આવ્યું હતું.

વડ્ડી ગામમાં આશરે 5,000 લોકોની વસ્તી છે. આ ગામ મિરજ શહેરની નજીક આવેલું છે. યશોધરા જ્યોર્જિયાની ન્યૂ વિઝન યૂનિવર્સિટીમાં MBBS (ચોથા વર્ષ)નું ભણતી હતી. પરંતુ પોતાનાં ગામનો વિકાસ કરવાની, ગામને પાયાભૂત સુવિધાઓથી સજ્જ કરવાની લગની લાગતાં એણે રાજકારણમાં ઝંપલાવવાનું નક્કી કર્યું અને એ માટે તે અમેરિકાનું ભણતર છોડીને વડ્ડી ગામમાં પાછી આવી ગઈ. ચૂંટણી પ્રચાર વખતે યશોધરાએ ગામના વિકાસનો મુદ્દો ઉઠાવ્યો હતો.

પોતે અમેરિકામાં ગામનો વિકાસ થયેલો જોઈને આવી હોવાથી વડ્ડી ગામનો પણ વિકાસ કરવાનું તેણે વચન આપ્યું હતું. તે આજે વડ્ડી તથા આસપાસના ગામોના યુવાધન માટે એક પ્રેરણામૂર્તિ બની ગઈ છે. એણે કહ્યું છે કે, ‘મેં આ ગામમાં મારાં ઘણાં વર્ષો વીતાવ્યાં છે તેથી અહીંની સમસ્યાઓથી હું પરિચિત છું. રહી વાત મારાં ઉચ્ચશિક્ષણની, તો એને પણ હું પૂર્ણ કરીને રહીશ.’ અમેરિકામાં હજી દોઢ વર્ષનું શિક્ષણ મેળવવાનું તેણે બાકી છે. એ તે ઓનલાઈન માધ્યમથી હાંસલ કરવા ધારે છે.