મહારાષ્ટ્રમાં સરકાર રચવાનું રાજ્યપાલે શિવસેનાને આમંત્રણ આપ્યું

મુંબઈ – મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયાને 18 દિવસ થયા છે તે છતાં હજી સરકાર રચાઈ નથી. 105 બેઠક જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલા ભારતીય જનતા પાર્ટીએ સ્વબળે સરકાર રચવાની આજે રાજ્યપાલ ભગતસિંગ કોશિયારી સમક્ષ અસમર્થતા બતાવ્યા બાદ રાજ્યપાલે 56 બેઠક સાથે બીજા ક્રમે રહેતી શિવસેના પાર્ટીને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે.

રાજ્યપાલે શિવસેનાને આવતીકાલે સાંજે 7.30 વાગ્યા સુધીમાં એમને મળી જવાનું કહ્યું છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આવતીકાલે રાજ્યપાલને મળવા જશે.

સૂત્રોના દાવા મુજબ શિવસેના અને શરદ પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચે સરકાર બનાવવા અંગે સમજૂતી થઈ ગઈ છે.

ભાજપાને સત્તા પર આવતી રોકવા માટે કોંગ્રેસ પાર્ટી શિવસેના-એનસીપીને ટેકો આપે એવી ધારણા છે. એનસીપી પાસે 54 વિધાનસભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે 44 સભ્યોનું સંખ્યાબળ છે. અપક્ષો તથા અન્ય પક્ષોના વિધાનસભ્યોની સંખ્યા 28 છે.

ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે ભાજપની અસમર્થતા પત્રકાર પરિષદમાં રજૂ કર્યા બાદ શિવસેનાનાં નેતા અને રાજ્યસભા સંસદસભ્ય સંજય રાઉતે પત્રકારોને કહ્યું કે અમારા પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દોહરાવ્યું છે કે રાજ્યમાં હવે પછીનો મુખ્ય પ્રધાન તો શિવસેનાનો જ બનશે.

એનસીપીની શરત છે કે…

દરમિયાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકે મુંબઈમાં જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં ટેકા માટે અમે શિવસેના સમક્ષ એક શરત મૂકી છે. અમે એમને કહ્યું છે કે જો તમારે અમારો સાથ જોઈતો હોય તો ભાજપ/એનડીએ સાથેનો સંબંધ તોડી નાખો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]