મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં ભાજપે પોતાની અસમર્થતા બતાવી દીધી

મુંબઈ – રાજ્યપાલ ભગતસિંગ કોશિયારીએ મહારાષ્ટ્રમાં સરકાર રચવાનું ગઈ કાલે આમંત્રણ આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ આજે જાહેરાત કરી દીધી છે કે તે સરકાર રચવા અસમર્થ છે.

મહારાષ્ટ્ર ભાજપ એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ

ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે આજે સાંજે અહીં પત્રકારોને કહ્યું કે રાજ્યપાલે અમને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું, પણ અમે આજે એમને મળીને જણાવી દીધું છે કે અમે સરકાર રચવા અસમર્થ છીએ.

પાટીલે કહ્યું કે અમે આ વર્ષની વિધાનસભાની ચૂંટણી ભાજપ, શિવસેના સહિતના પક્ષોની મહાયુતિ તરીકે લડી હતી, પણ હવે શિવસેના અમારી સાથે જોડાવા તૈયાર નથી તેથી અમે સરકાર રચી શકીએ એમ નથી.

પાટીલે કહ્યું કે જો શિવસેનાને કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે મળીને સરકાર રચવી હોય તો અમારી એને શુભેચ્છા છે.

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રમાં સરકારની રચનાનો મામલો હજી ગૂંચવાયેલો છે. 288-સીટની વિધાનસભામાં, ભાજપ 105 સીટ જીતીને સૌથી મોટો પક્ષ બન્યો છે, પણ એને ભાગીદાર શિવસેના સાથે સત્તાની વહેંચણીના મામલે ઝઘડો થયો છે તેથી એમની પાસે સહિયારી બહુમતી હોવા છતાં તેઓ સરકાર રચી શક્યા નથી.

બીજી બાજુ, વિરોધ પક્ષોમાં, NCPએ 54 અને કોંગ્રેસે 44 સીટ જીતી છે. આ બંને પક્ષ ભાજપ અને શિવસેનાની ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે.

આજે મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે ભાજપની કોર કમિટીના નેતાઓની બેઠક મળી હતી અને લગભગ એક કલાક સુધી ચર્ચા કરી હતી. એમાં કાર્યવાહક મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ ચંદ્રકાંત પાટીલની આગેવાની હેઠળ નેતાઓનું જૂથ દક્ષિણ મુંબઈસ્થિત રાજભવન ખાતે ગયું હતું અને ત્યાં રાજ્યપાલ કોશિયારીને મળીને પક્ષે લીધેલા નિર્ણયની જાણ કરી દીધી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]