શિવસેનાનાં અરવિંદ સાવંતે મોદી સરકારમાંથી રાજીનામું આપ્યું

મુંબઈ/નવી દિલ્હી – શિવસેનાનાં સંસદસભ્ય અરવિંદ સાવંતે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારમાં હેવી ઈન્ડસ્ટ્રીઝ અને પબ્લિક એન્ટરપ્રાઈઝીસ ખાતાના પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. એમણે ટ્વીટ કરીને આની જાણકારી આપી છે.

અરવિંદ સાવંત

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે જો શિવસેનાને ટેકાની જરૂર હોય તો એણે ભાજપ-NDA (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ) સાથેનો સંબંધ તોડી નાખવો પડશે એવી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ શરત મૂકી છે. એ શરતનું પાલન કરીને શિવસેનાનાં પ્રધાને મોદી સરકારમાંથી રાજીનામું આપી દીધું છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે રાતે એમના ટોચના સહયોગીઓ – મિલિંદ નાર્વેકર, સંજય રાઉત અને અનિલ દેસાઈ સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ અરવિંદ સાવંતને કહ્યું હતું કે તમે મોદી સરકારમાંથી રાજીનામું આપી દો.

સાવંતે મરાઠીમાં કરેલા ટ્વીટમાં જણાવ્યું છે કે, શિવસેનાનું વલણ સત્યનું રહ્યું છે. તેથી જુઠાપણાના વાતાવરણમાં હું દિલ્હીની સરકારમાં કેવી રીતે રહી શકું? એટલે હું કેન્દ્રીય પ્રધાનપદેથી રાજીનામું આપી રહ્યો છું. હું આજે સવારે 11 વાગ્યે દિલ્હીમાં પત્રકાર પરિષદ પણ બોલાવીશ.

મોદી સરકારમાં અરવિંદ સાવંત શિવસેનાના એકમાત્ર પ્રધાન છે.

સાવંત દક્ષિણ મુંબઈની પ્રતિષ્ઠિત બેઠક પરથી બે મુદતથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં શિવસેનાને મદદ કરવા માટે NCP પાર્ટી આજે સવારે 10 વાગ્યા બાદ પોતાનો આખરી નિર્ણય જાહેર કરશે.

એવી જ રીતે કોંગ્રેસ પાર્ટી પણ પોતાનો આખરી નિર્ણય આજે જાહેર કરશે.

ભારતીય જનતા પાર્ટીએ સ્વબળે સરકાર રચવાની પોતાની અસમર્થતા ગઈ કાલે જાહેર કરી દીધા બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંગ કોશિયારીએ સંખ્યાબળની દ્રષ્ટિએ બીજા નંબરે રહેતી શિવસેના પાર્ટીને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે.

શિવસેનાને NCPનો ટેકો મળવાના સંકેત છે, પરંતુ એ માટે તેણે શિવસેના સમક્ષ ભાજપ-એનડીએ સાથેનો નાતો તોડવાની શરત રાખી હતી.

ઉદ્ધવના પુત્ર અને વરલી મતવિસ્તારના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે પણ શિવસેનાનાં વિધાનસભ્યોને મળ્યા હતા. આ વિધાનસભ્યોને મુંબઈના મલાડ (વેસ્ટ)ની હોટેલ રિટ્રીટ ખાતે રાખવામાં આવ્યા છે.